સુરત : વધતા કોરોના સંક્રમણને લઇ મુખ્યમંત્રી સુરત દોડી આવ્યા

સુરતમાં વધી રહેલા કોરોના સંક્રમણ અને આખા ગુજરાતમાં સૌથી વધુ કોરના વિસ્ફોટ સુરતમાં થતા સવારે આરોગ્ય સચીવ સુરત આવી પહોંચ્યા બાદ બપોરે મુખ્યમંત્રી અને ડેપ્યુટી મુખ્યમંત્રી પણ સુરત દોડી આવ્યા હતા અને અધિકારીઓ સાથે મીટીંગ કર્યા બાદ મુખ્યમંત્રી દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરાયુ હતું.
આખા ગુજરાતમાં સૌથી વધુ કોરોના વિસ્ફોટ સુરત શહેર જિલ્લામાં થઈ રહ્યો છે. ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થતા આજે આખી સરકાર જ સુરતમાં આવી ગઈ છે. સીએમ, ડે.સીએમ, આરોગ્ય સચિવ સહિતનાએ સુરત કલેક્ટર ઓફિસ ખાતે બેઠક કરી હતી. ત્યારબાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, સુરત શહેર માટે રેમડેસિવિરની વ્યવસ્થા કરી છે. 2500 ઈન્જેક્શન આજે રાતે 8 વાગ્યા સુધીમાં સુરત પહોંચી જશે અને ખાનગી હોસ્પિટલોને ડાયરેક્ટ જ અપાશે. જેથી લોકોને આમ-તેમ રખડવું નહીં પડે તેવું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. આ સાથે વધુ 800 બેડની હોસ્પિટલ, 300 વેન્ટિલેટરની પણ જાહેરાત કરાઈ હતી. તો વધુમાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, રેમડેસિવિર ઇન્જેક્શનને લઈને તમામ લોકોની ચિંતા આગામી દિવસોમાં દૂર થઈ જશે. સંક્રમિત દર્દીઓ માટે 3,00,000 ઇન્જેક્શન મંગાવાયા છે. ફાર્મા કંપની દ્વારા રોજના રાજ્યમાં 25000 ઇન્જેક્શન આપવામાં આવી રહ્યા છે. જે જરૂરિયાત મુજબ દરેક શહેરમાં મોકલવાઈ રહ્યા છે. થોડાં જ દિવસોમાં સમગ્ર શહેરમાં ઇન્જેક્શનો પૂરતો જથ્થો મળી રહેશે. બીજી તરફ સુરત મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરાયેલા ધન્વંતરી રથ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયા છે. કોર્પોરેશન દ્વારા વધુ 50 ધન્વંતરી રથ ફાળવવામાં આવ્યા છે. જે પૈકી 10 જેટલા ધન્વંતરી રથને આજે મુખ્ય પ્રધાનના હસ્તે લોકાર્પણ કરાયા હતા. ધન્વંતરી રથ દ્વારા વિવિધ વિસ્તારોમાં કોરોનાના સામાન્ય લક્ષણ તાવ શરદી જેવા વાઇરલ ઇન્ફેકશનના દર્દીઓને પ્રાથમિક સારવાર અને દવા આપશે. તો મુખ્યમંત્રીએ કોરોનાના સંક્રમણ પર નિયંત્રણ લેવા માટે ત્રણ ટી એટલે કે ટ્રેસિંગ, ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટની ફોર્મ્યુલા અપાવવા તેમજ લોકો માસ્ક પહેરે અેન પુરતુ અંતર જાળવે તેની ઉપર વધુ ભાર મુક્યો હતો.
સુરતમાં વધતા કોરોનાના સંક્રમણને લઈ હાઈલેવલ યોજાયેલી મીટીંગમાં મુખ્યમંત્રી, ડેપ્યુટી મુખ્યમંત્રી, આરોગ્ય સચીવ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ, રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી તથા સુરતના અધિકારીઓ અને ખાસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં.