સુરત : સિવિલ હોસ્પિટલ કમ મેડિકલ કોલેજના પ્રોફેસરો હડતાળ પર ઉતર્યા

ગુજરાતના તબીબી શિક્ષકોના પડતર પ્રશ્નો અંગે સુરત સિવિલ હોસ્પિટલ કમ મેડિકલ કોલેજના તમામ પ્રોફેસરો એક દિવસીય હડતાળ પર ઉતર્યા છે. તબીબી શિક્ષકો સરકાર દ્વારા બંધ કરાયેલા લાભો શરૂ કરવાની માગ સાથે વિરોધ કરાયો હતો. આ બાબતે ડો. પારૂલ વડગામાએ જણાવ્યું હતું કે, આજદિન સુધી તમામ વ્યાજબી અને ન્યાયિક પ્રશ્નો વિભાગ દ્વારા હલ કરવામાં આવ્યા નથી.
કોરોનાની મહામારી વચ્ચે વિવિધ સમસ્યાઓ સાથે તબીબો દેખાવ કરવાની સાથે હડતાળ પાડી રહ્યા છે. ત્યારે સુરત નવી સિવિલ હોસ્પિટલા તબીબી શિક્ષકો બંધ કરાયેલા લાભો શરૂ કરવાની માંગ સાથે એક દિવસીય હડતાળ પર ઉતર્યા હતા. જે અંગે ડો. પારુલ વડગામાએ જણાવ્યું હતું કે, કોવિડ-19 મહામારીમાં નિરંતર સેવા બજાવ્યા છતાં તબીબી શિક્ષકોના પ્રશ્નો અંગે ચર્ચા પણ કરવામાં આવતી નથી. આરોગ્ય વિભાગના અન્ય ઘટકો હડતાળ પાડી પોતાની માગણીઓ મંજુર કરાવવામાં સફળ થયા છે ત્યારે તબીબી શિક્ષકોના નમ્ર કાર્યદક્ષ સ્વભાવ અને સરકાર પર ભરોસો રાખ્યા છતાં કોઈ પણ કાર્યવાહી કરવામાં આવેલ નથી. જેના કારણે તબીબી શિક્ષકોમાં ભારે રોષ ફેલાયો છે. પરિણામે ગુજરાતના તમામ કોરોના સામે લડનાર તબીબી શિક્ષકો આખરે વિરોધ પ્રદર્શન કરી હડતાળ પર ઉતારવા મજબુર બન્યા છે. અને જો આગામી દિવસોમાં માંગણી નહી સંતોષાય તો સોમવારથી હડતાળ પર જવાની પણ ચિમકી ઉચ્ચારાઈ હતી.
વારંવારની રજુઆતો છતા સરકાર દ્વારા તબીબી શિક્ષકોની કોઈ માંગણી નહી સંતોષાતા આખરે હડતાળ પર ઉતરવાની તબીબી શિક્ષકોને ફરજ પડી છે.