સુરત : સિવિલના કર્મચારીઓએ હડતાળ પાડી સુત્રોચ્ચાર કર્યા

પગારના મુદ્દે છેલ્લા ઘણા સમયથી રજુઆત કરનાર સુરત નવી સિવિલ હોસ્પિટલના ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારીઓ બુધવારે સવારથી જ હડતાળ પર ઉતર્યા હતા. મહિનાઓથી પગાર ન મળતા રોડ પર બેસી રોડ બ્લોક કરી સિવિલના કર્મચારીઓએ હડતાળ પાડી સુત્રોચ્ચાર કર્યા હતાં.
હાલ કોરોનાની મહામારી શહેરમાં ફરી વકરી રહી છે તો બીજી તરફ કારમી મોંઘવારીમાં લોકોને માંડ માંડ બે ટંકનો રોટલો નસીબ થઈ રહ્યો છે. ત્યારે વકરતા કોરોના વચ્ચે સુરત નવી સિવિલ હોસ્પિટલના ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારીઓ બુધવારે સવારથી જ હડતાળ પર ઉતરી ગયા હતાં. ત્રણ ત્રણ મહિનાથી પગાર બાકી હોવાનું જણાવી સુરત નવી સિવિલ હોસ્પિટલના કર્મચારીઓ સુરત નવી સિવિલ હોસ્પિટલ રોડ પર હડતાળ પર બેસી જઈ સુત્રોચ્ચાર કર્યા હતાં. અને રોડ બ્લોક કર્યો હતો. 500 જેટલા કર્મચારીઓ હડતાળમાં જોડાતા તંત્ર દોડતુ થયુ હતું. આ હડતાળમાં ઓપરેશન થિયેટર, વોર્ડ, પીએમ, ટ્રોમા સેન્ટર, ઓપીડી સહિતની કામગીરીથી વર્ગ 3 અને 4ના કર્મચારીઓ દૂર રહ્યા હતાં.
ત્રણ ત્રણ મહિનાથી પગાર ન થયુ હોય અને કારમી મોંઘવારીના દિવસો ચાલી રહ્યા હોય જેને લઈ તાત્કાલિક બાકી પગાર કરવામાં આવે તેવી માંગ હડતાળ પર ઉતરેલા સુરત નવી સિવિલ હોસ્પિટલના ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારીઓએ કરી હતી.