NRC મામલે સરકારની પીછેહઠની શકયતા

NRC મામલે સરકારની પીછેહઠની શકયતા

નાગરિકતા સંશોધન કાયદાના લઇ શરુ થયેલ વિરોધને જોતા લાગે છે કે કેન્દ્ર સરકાર NRC ના મુદ્દે પીછેહઠ કરી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં કરેલા એક નિવેદનથી એવા સંકેત છે કે ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર તેને હાલ તૂર્ત અભેરાઈ ઉપર ચડાવી દે તેવી શકયતા છે. પીએમ મોદીએ રવિવારે દિલ્હીમાં એક રેલી દરમિયાન કહ્યુ હતુ કે NRC અને સંશોધિત નાગરિકતા કાનૂન અલગ અલગ મામલા છે. તેમની સરકારે NRC પર ચર્ચા નથી કરી. પક્ષના કેટલાક નેતાઓએ સ્વીકાર્યુ છે કે CAA વિરૂદ્ધ થઈ રહેલા વ્યાપક દેખાવોથી તેઓ વ્યથિત છે અને NRC ને લઈને સમુદાયના એક હિસ્સામાં ખાસ કરીને મુસ્લિમોની આશંકાઓએ ભાવના ભડકાવી છે. વડાપ્રધાને NRC અને CAA ને અલગ અલગ મુદ્દા બતાવી સ્થિતિને શાંત પાડવાનો પ્રયાસ કર્યો છે. દેશના અનેક ભાગોમાં હિંસક દેખાવો વચ્ચે વડાપ્રધાનનુ આ નિવેદન આવ્યુ છે. દેખાવોને કારણે યુપીમાં 17 લોકોએ જીવ ગુમાવ્યા છે અને અથડામણોમાં મોટી સંખ્યામાં પોલીસ પણ ઘાયલ થઇ છે.
NRC અંગે પૂછાતા ભાજપના એક નેતાએ કહ્યુ હતુ કે રેલીમાં મોદીના નિવેદન બાદથી સંદેશ સ્પષ્ટ છે. તેમણે સંકેત આપ્યો હતો કે પક્ષના નેતાઓ નજીકના ભવિષ્યમાં આ મુદ્દાને ઉઠાવવાથી બચી શકે છે. પીએમ મોદીનું આ નિવેદન એવા સમયે આવ્યુ છે કે જ્યારે અમિત શાહ અને જે.પી. નડ્ડાએ ભારપૂર્વક કહ્યુ હતુ, NRC સમગ્ર દેશમાં લાગુ થશે. લોકસભામાં ચર્ચા દરમિયાન શાહે તા 9 ડીસેમ્બરે કહ્યુ હતુ કે ઘુસણખોરોની ઓળખ કરવા અને તેઓને બહાર કાઢવા માટે મોદી સરકાર સમગ્ર દેશમાં NRC લાગુ કરશે. જ્યારે નડ્ડાએ ગયા સપ્તાહે કહ્યુ હતુ કે દેશમાં CAA સાથે NRC ને લાગુ કરાશે. ઝારખંડના ચૂંટણી પ્રચાર દરમિયાન ચૂંટણી રેલીમાં શાહે કહ્યુ હતુ કે 2024 માં લોકસભાની ચૂંટણી પહેલા NRC લાગુ કરાશે. ભાજપના ચૂંટણી ઢંઢેરામાં એવુ વચન અપાયુ હતુ કે ઘુષણખોરીનો મુકાબલો કરવા માટે સમયબદ્ધ રીતે NRC લાગુ કરાશે.