Surat : આર્થિક તંગીમાં સપડાયેલા ટેમ્પો ડ્રાઇવરે કર્યો આપઘાત

નવાગામ-ડિંડોલીના ઉમિયા નગરમાં એક મહારાષ્ટ્રીયન શ્રમજીવીનું મજાક મજાકમાં બાળકોની નજર સામે ગળેફાંસો લાગી જતા મોત નીપજ્યું હતું.
ડિંડોલી પોલીસે જણાવ્યું હતું કે, નવાગામ ડિંડોલી ખાતે આવેલ ઉમિયા નગરમાં રહેતા પ્રમોદ પ્રકાશભાઈ કાપડે લોકડાઉન પહેલા એમ્બ્યુલન્સના ડ્રાઈવર તરીકે કામ કરતા હતા. જોકે, યોગ્ય વળતર નહિ મળતા તેઓ લોકડાઉન બાદ આર્થિક ભીંસને લઈ છેલ્લા કેટલાક મહિનાઓથી ભંગારના છોટા હાથી પર ડ્રાઇવીંગ કરી ત્રણ સંતાન અને પત્ની સહિત પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા. માત્ર 8000ના પગાર પર ઘર ખર્ચ સાથે ઘરના શૌચાલય રીનોવેટ માટે લીધેલી લોનના હપ્તા ન ભરી શકતા માનસિક તણાવમાં રહેતા હતા. વધુમાં જણાવ્યું હતું કે સતત 4-5 હપ્તા નહિ ભરાતા બેન્કમાંથી વારંવાર ફોન આવતા હતા. આવા સંજોગોમાં રાત્રે બાળકો સાથે રસોડામાં મજાક મજાકમાં ગળે દોરડું લગાડી બાળકોને આપઘાતના પાઠ ભણાવવા જતા અકસ્માતે ફાંસો લાગી ગયો હતો. બાળકોની ચિચિયારી બાદ પત્ની અને પાડોશીઓ દોડી આવતા તેમને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં તેમને મૃત જાહેર કરાતા પોલીસે પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરી મૃતદેહ અંતિમવિધિ માટે પરિવારને સોંપી દીધો હતો. પ્રમોદ મૂળ મહારાષ્ટ્રનો વતની હતો. એમના અકસ્માત મોતને લઈ પરિવારમાં શોકની કાલીમાં છવાઈ ગઈ છે. બે દીકરી અને એક દીકરાના પિતા પ્રમોદભાઈ ભંગારનો ટેમ્પો ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. લોકડાઉન દરમિયાન ઘરના શૌચાલય રીનોવેશન માટે લીધેલી લોનના હપ્તા ન ભરી શકતા બેન્કની ઉઘરાણીના ફોનથી પ્રમોદભાઈ માનસિક તણાવમાં પણ રહેતા હતાં.