Surat : ઈવેન્ટ અને વેડિંગ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોની હાલત થઇ કફોડી

કોરોનાની મહામારીને લઈ ઈવેન્ટ અને વેડિંગ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોની આર્થિક સ્થિતિ કફોડી થઈ રહી છે ત્યારે ઘડીએ ઘડીએ બદલાઈ રહેલા નિયમોના કારણે બેન્ડ, બાજા, બગી, કેટરીંગ, મંડપ સહિતના વ્યવસાયીકોએ એક કાર રેલી કાઢી કલેકટરાલયે પહોંચી રજૂઆત કરી હતી.
કોરોના મહામારીના કારણે સુરત શહેરના ઇવેન્ટ, મંડપ એન્ડ ઇલેક્ટ્રોનિક, કેટરિંગ સાથે સંકળાયેલા લોકોની રોજગારી છિનવાઈ ગઈ છે. છેલ્લા 8 મહિનાથી ધંધો બંધ છે. ત્યારે હવે લગ્નની સિઝન આવી છે ત્યારે 100 લોકોની મર્યાદા કરાતા લગ્નો કેન્સલ થવાની શરૂઆત થઈ ગઈ છે. જેને લઈને ઇવેન્ટ, મંડપ એન્ડ ઇલેક્ટ્રોનિક, કેટરિંગ સાથે સંકળાયેલા લોકો દ્વારા અનોખો વિરોધ કરાયો હતો. કલેક્ટર કચેરી સામેથી 100 કારનો કાફલો પસાર કરવામાં આવ્યો હતો. જેમાં બાઈક પણ જોડાઈ હતી. તમામ કાર પર બેનરો લગાવવામાં આવ્યા હતા. જેના પર સેવ ઈવેન્ટ ઈન્ડસ્ટ્રી, સેવ વેડિંગ ઈન્ડસ્ટ્રી, શરૂ કરો બેન્ડ-બાજા-બારાત સહિતના સ્લોગનો લખ્યા હતાં.
કલેક્ટરને અપાયેલા આવેદન પત્રમાં લખવામાં આવ્યું છે કે, કેટરિંગ, મંડપ, લાઈટ, એલ.ઈ.ડી. આર્ટીસ્ટ , ઈવેન્ટ મેનેજર, સાઉંન્ડ, લાઈટીંગ, હોટેલ, બેન્કવેટ તથા ફોટોગ્રાફર અસોસીએશનના સુરત તેમજ સાઉથ ગુજરાતના મેમ્બરો છે. જેને ગત પ્રથમ લોકડાઉનથી ઓકટોબર-2020 સુધીમાં અંદાજે 1200 કરોડ રૂપિયાનું નુકશાન થયેલ છે. આ બાબતે આપ કલેક્ટર કચેરી તેમજ સરકારને વાંરવાર રજૂઆત પછી પણ આ ઇન્ડસ્ટ્રી પ્રત્યે સરકારની રહેમ દ્રષ્ટી પ્રાપ્ત થઇ નથી. આ ઇન્ડસ્ટ્રીના અસંખ્ય લોકોએ આજીવિકા ગુમાવી છે અને ધંધાર્થીઓને પણ સતત નુકશાન થઇ રહ્યું છે. કોવિડના કારણે સરકારના વારંવારના બદલાતા નિયમોના કારણે ઈવેન્ટ ઇન્ડસ્ટ્રીઝના માણસોનું માનસિક મનોબળ તૂટી રહ્યું છે. સુરત તથા દક્ષિણ ગુજરાતની 1.50 લાખથી વધુ કંપનીઓ અને 7 લાખથી વધુ વ્યક્તિઓ સંકળાયેલી છે. આ વ્યક્તિઓના ગુજરાન ચલાવવા ખુબ જ મુશ્કેલ થઈ પડેલ છે. જેનું કારણ સરકારના કોવિડ અંગેની ગાઈડલાઈનમાં વારંવાર થતા ફેરફારોના લીધે છે. કોવિડ માટેના વારંવાર બદલાતા સરકારના નિર્ણયો ઈવેન્ટ ઇન્ડસ્ટ્રી માટે નુકશાનકારક છે. વેડિંગ ઇન્ડસ્ટ્રી મૃતપાય થવા તરફ જઈ રહી છે. અને સદર ઇન્ડસ્ટ્રીનો મૃત્યુઘંટ વાગી જાય તેમ છે.
વધુમાં વારંવારની રજૂઆતો છતાં પણ તેના અંગે કોઈ યોગ્ય નિર્ણય ન લેવાતા આ ઇન્ડસ્ટ્રી વિરોધ કરવા તરફ આગળ વધી રહી છે.