Surat : કોંગ્રેસના વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કરી સભા

વિધાનસભા પેટાચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભાજપ કોંગ્રેસ બંને પક્ષે પોતાના દિગ્ગજ નેતાઓને પ્રચાર માટે મેદાને ઉતાર્યા છે. સુરતમાં કોંગ્રેસના વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સભા કરી હતી.
જેમાં તેઓએ જણાવ્યું હતું કે, આ મહામારી માં ભગવાન જગન્નાથને જેલમાં પુરાવું પડ્યું. જ્યારે ચૂંટણી આવી ત્યારે કેટલાય લુખ્ખાઓને જેલમાંથી જામીન આપી દીધા અને આવા કેટલાયને કપરાડા, ડાંગ, ધારી, અબડાસા, લીમડી, કરજણ અને ગઢડા ચૂંટણી લડાવવા, લડવા અને લોકોને ધમકાવવા મોકલ્યા છે. આગામી 3 નવેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો માટે પેટાચૂંટણીઓ યોજાવાની છે. આ વચ્ચે ભાજપ-કોંગ્રેસ દ્વારા જંગી પ્રચાર કરાઈ રહ્યો છે. દરમ્યાન સુરત ખાતે પણ કોંગ્રેસ દ્વારા વિજય વિશ્વાસ સંમેલન કાર્યક્રમનું આયોજન કરાયુ હતું. કાર્યક્રમમાં હાજર રહેલા વિપક્ષી નેતા પરેશ ધાણાની રૂપાણી સરકાર સામે ભારે ચાબખા કર્યા હતા. નાયબ પ્રધાન નીતિન પટેલ પર ચપ્પલ ફેંકવાની ઘટના અંગે ધાનાણીએ જણાવ્યું લોકશાહીના શાસનમાં સામાન્ય જનતાને મત નામનું શસ્ત્ર આપ્યું છે. સત્તાના મદમાં ભાન ભૂલી ગયેલ કોઈ પણ ચમરબંધી હોય તેના અહંકારને ઉઘાડવો હોય તો ચપ્પલથી નહીં પરંતુ મતથી મારજો ચપ્પલથી નહીં. ગુજરાત વિધાનસભાની ની આઠ બેઠકો પર પેટાચૂંટણી ના પ્રચાર ને લઈ સુરત કોંગ્રેસ દ્વારા પુનાગામ ખાતે વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારી- બગસરા અને ખાંભાના ઉમેદવાર સુરેશ કોટડીયાના સમર્થનમાં આ કાર્યક્રમ પુનાગામ સ્થગિત સરદાર ફાર્મ ખાતે યોજાયો હતો.જે કાર્યક્રમમાં વિપક્ષી નેતા પરેશ ધાણાની હાજર રહ્યા હતા. ધાણાનીએ પોતાના સંબોધનમાં ગુજરાત વિધાનસભાની આઠે આઠ બેઠકો પર વિજય પ્રાપ્ત કરી કમલને કચડી નાંખવાનો દાવો કર્યો હતો. વધુમાં ધાનાણીએ કહ્યું હતું કે, ગાંધી અને સરદારે ગુજરાતને ઘડવાનું કામ કર્યું અને બે નવા ગુજરાતીઓએ વેચવાનું કામ કર્યું તો કમલમ ખાતે ખરીદ વેચાણ સંઘની નીતિ ચાલી રહી છે. ગુંડાગીરી ગુજરાતની ઓળખ શા માટે બની એ ભાજપને સવાલ સાથે પક્ષપલટુઓએ સૌરાષ્ટ્રનું અપમાન કરવાનો પ્રયાસ કર્યો હોવાનો પણ પ્રહાર કર્યો હતો.