Surat : તબીબ ડો. રાજેશ પ્રજાપતિએ તળાળાના જંગલમાં વૃદ્ધાનો જીવ બચાવ્યો

સુરતના તબીબ ડો. રાજેશ પ્રજાપતિએ તળાળાના જંગલમાં વૃદ્ધાનો જીવ બચાવ્યો
એકાએક હાર્ટએટેક આવતા વૃદ્ધા બાઈક પરથી પડી ગયા હતા, ડો. પ્રજાપતિએ પ્રવાસ અટકાવી તબીબધર્મ નીભાવતા સીઆરઆર પ્રક્રિયાથી વૃદ્ધાની સારવાર કરી7
દક્ષિણ ગુજરાતના 2500થી વધુ કોરોના દર્દીઓની સારવાર કરનાર ડો. રાજેશ પ્રજાપતિએ સોમનાથ પ્રવાસ દરમિયાન હાર્ટએટેકનો ભોગ બનેલી વૃદ્ધાને જંગલના રસ્તા પર પ્રાથમિક સારવાર આપી જીવ બચાવ્યો હોવાની તબીબ ધર્મ નિભાવ્યો છે.
શહેરના કોરોના વોરીયર તબીબ અને જાણીતા ક્રીટીકલ કેર સ્પેશ્યિાલિસ્ટ ડો. રાજેશ પ્રજાપતિ પોતાના માતા-પિતાસાથે સોમનાથ દર્શન કરી પરત ફરી રહ્યાં હતાં ત્યારે સાસણગીર અને તળાળા વચ્ચે તેમની નજર બાઈક પર પસાર થઈ રહેલાં વૃદ્ધ દંપતિ પર પડી હતી. દંપતિ પૈકી પત્નીને ચક્કર આવી રહ્યાં અને તેઓ પરસેવે રેબઝેબ થઈ બાઈક નીચે પટકાયા હતા. પડતા વેંત જ તેઓ બેભાન થયા હતા અને તેમનું હૃદય સંપૂર્ણ બંધ થઈ ગયું હતું. ડો. રાજેશ પ્રજાપતિ એક પળનો વિલંબ કર્યા વિના પોતાની ગાડી અટકાવી વૃદ્ધ મહિલા પાસે દોડી ગયા હતા અને પોતે તબીબ હોવાની ઓળખ આપી સારવાર શરૂ કરી હતી. વૃદ્ધ મહિલાને જંગલના રસ્તા પર નીચે સુવાડી દઈ સીઆરઆર (કાર્ડિયો પલ્મેનરી રેસ્યૂકેશન) આપવાનું ચાલુ કર્યું હતું, જેમાં ડો. પ્રજાપતિએ બંને હાથો વડે કાર્ડીયાક મસાજ આપી પોતાનો રૂમાલ વૃદ્ધાના મોંઢા પર મૂકી શ્વાસોશ્વાસ આપી હતી અને લગભગ 10થી 12 મિનીટના સીઆરઆર પછી વૃદ્ધાનું હૃદય ચાલુ થઈ ગયું હતું. ધબકારા આવવા સાથે વૃદ્ધા સંપૂર્ણ હોંશમાં આવી ગયા હતા. ત્યાર બાદ વૃદ્ધાને તળાળા ખાતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.
ડો. પ્રજાપતિએ કહ્યું કે, કોઈ પણ દર્દીને અચાનક હાર્ટએટેક આવે ત્યારે મસાજ અને શ્વાસોશ્વાસ આપવું એ બેઝીક લાઈફ સપોર્ટ પ્રક્રિયા કહેવાય છે. કોઈ પણ પ્રકારના મેડીકલ સાધનોના ઉપયોગ વિના દર્દીની સારવાર કરી શકાય છે. પ્રત્યેક નાગરિક જો આ પ્રક્રિયા શીખે તો વધુમાં વધુ લોકોનો જીવ બચાવી શકાય છે.
ઉલ્લેખનીય છે કે, કોરોના વોરિયર ડો. રાજેશ પ્રજાપતિએ દક્ષિણ ગુજરાતના અંદાજે 2500થી પણ વધારે કોરોના દર્દીઓની સારવાર કરી છે અને તેઓ ઈન્ડિયન સોસાયટી ઓફ ક્રિટીકલ કેર મેડીસીન સુરતના પ્રમુખ છે. તેઓ ક્રિટીકલ કેર સ્પેશ્યિાલિસ્ટ તરીકે યુનિક, મૈત્રેય, મહાવીર, શિવજ્યોતિ હોસ્પિટલ અને અટલ સંવેદના કોવિડ સેન્ટર ખાતે સતત ફરજ બજાવી રહ્યાં છે.