Surat : ફાયર વિભાગ દ્વારા સનસાઈન ગ્લોબલ હોસ્પિટલમાં મોકડ્રિલ યોજાઈ

રાજકોટની હોસ્પિટલમાં સર્જાયેલા અગ્નિકાંડમાં 5 કોરોના દર્દીઓ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે હવે આ ઘટનાના પગલે સુરતનું તંત્ર એલર્ટ થઈ ગયું છે. આ ઘટનાને ધ્યાને રાખી સુરત ફાયર વિભાગ દ્વારા સનસાઈન ગ્લોબલ હોસ્પિટલમાં મોકડ્રિલનું આયોજન કરાયુ હતું. જેમાં આગ લાગે ત્યારે શું કરવું જોઈએ અને ફાયર વિભાગે કંઈ રીતે લોકોને રેસ્ક્યુ કરે છે તે અંગે માહિતગાર કરાયા હતાં. જેમાં હોસ્પિટલમાં આગ લાગતા ફાયર વિભાગે ડોક્ટર-દર્દી સહિત 8 લોકોને બચાવી મોકડ્રિલ પૂર્ણ કરી હતી.
રાજકોટની શિવાંદન કોવિડ હોસ્પીટલમાં આગની દુર્ઘટનામાં દર્દીઓના મોત બાદ સુરત મ્યુનિ. તંત્ર પણ સફાળું જાગ્યું છે. રાજકોટમાં જેવી ઘટના સુરતમાં ન બને માટે ફાયર દ્વારા સુરતની સનસાઈન ગ્લોબલ હોસ્પિટલમાં લાઈવ મોકડ્રિલ કરાયું હતું. મોકડ્રિલમાં હોસ્પિટલની બેદરકારી જણાય તો પગલાં લેવાશે. આ સાથે ટ્રાઈ સ્ટાર હોસ્પિટલમાં પણ મોકડ્રિલ કરાઈ હતી. જેમાં ફાયર દ્વારા નોટિસ અપાઈ હતી. ફાયર દ્વારા યોજાયેલી આ મોકડ્રિલમાં ફાયરના લેડર, ફોમ સહિતના ઈક્વિપમેન્ટનો ઉપયોગ કરાયો હતો. આ સાથે હોસ્પિટલમાં રહેલી ફાયર સેફ્ટીનો પણ ઉપયોગ કરાયો હતો. ફાયર ઓફિસર મખીજાની દિપકે જણાવ્યું હતું કે, સનસાઈન ગ્લોબલ હોસ્પિટલમાં મોકડ્રિલનું આયોજન કરાયુ હતું. પહેલા અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગ લાગતા 5થી 6ના મોત થયા હતા. જ્યારે રાત્રે રાજકોટની શિવાંદન કોવિડ હોસ્પિટલમાં આગ લાગતા 6 કોરોના દર્દીના મોત થયા હતા.
રાજકોટની દુર્ઘટનાના પગલે ફાયર વિભાગે આજે સુરતની કેટલીક હોસ્પિટલમાં મોકડ્રિલ પણ કરાયું હતું. થોડા દિવસ પહેલાં સુરતની ટ્રાઈ સ્ટાર હોસ્પીટલમાં પણ આગ લાગી હતી ત્યારે પણ અન્ય હોસ્પિટલમાં ફાયર સેફ્ટી અંગેના સવાલ ઉભા થયાં હતા. પરંતુ તંત્રએ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી અંગે આંખ આડા કાન કર્યા હતા. પરંતુ હાલમાં રાજકોટની દુર્ઘટના બાદ ફરીથી સુરત પાલિકાએ હોસ્પિટલ ક્લિનિકમાં ફાયર સેફ્ટીની સુવિધાની ચકાસણી શરૂ કરી છે. જેમાં 800માંથી માત્ર 111 પાસે ફાયર એનઓસી હોવાનું સામે આવ્યું છે.