Surat : મહાનગર પાલિકાના સિટીંગ કોર્પોરેટર ઈકબાલ બેલીમનું નિધન

સુરત મહાનગર પાલિકાના સિટીંગ કોર્પોરેટર ઈકબાલ બેલીમનું લાંબી માંદગી બાદ બુધવારે નિધન થતા તેમના માનમાં સુરત મનપા કચેરી એક દિવસ માટે બંધ રાખવામાં આવી હતી. તો સ્થાયી સમિતિ પણ મુલ્તવી રખાઈ હતી.
સુરત મહાનગર પાલિકાના લિંબાયત વોર્ડમાં સતત બે ટર્મથી ચુંટાતા નગર સેવક અને સમાજના અગ્રણી ઈકબાલ બેલીમનું કેન્સરની બિમારીથી મોત નિપજ્યુ હતું. જેથી સુરત મહાનગર પાલિકાની મુખ્ય કચેરી, ઝોન કચેરી તથા શાળાઓ બંધ રાખવામાં આવી હતી. પરંતુ મનપાની ખાસ આવશ્યક સેવાઓ જેવી કે પાણી વિભાગ, ગટર વિભાગ, સફાઈ વિભાગ અને ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ સાથે હાલની કોરોના વાયરસ અંગેની તમામ પ્રકારની કામગીરી ચાલુ જ રાખવામાં આવી હતી. વધુમાં સીટીંગ કોર્પોરેટર કે માજી મેયરના નિધનના પગલે મનપા સંચાલિત કચેરીઓ બંધ રાખવામાં આવે છે. અગાઉ સીટીંગ કોર્પોરેટર ભાયલાલ સોનવણે અને ચંપક ભાણાના નિધનથી પણ મનપા બંધ રાખવામાં આવી હતી. ગુરૂવારે મળનાર સ્થાયી સમિતિની મીટીંગ પણ બંધ રાખવામાં આવી હતી.