Surat : રાત્રી કરફ્યુમાં લોકોએ જાણે સ્વંયભુ સમર્થન કર્યુ

કોરોનાના વધતા કહેરને લઈ રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ બાદ સુરત, રાજકોટ અને વડોદરામાં રાત્રી કરફ્યુની જાહેરાત કરાઈ છે. ત્યારે શનિવારે પ્રથમ દિવસે રાત્રી કરફ્યુમાં લોકોએ જાણે સ્વંયભુ સમર્થન કર્યુ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતાં.
રાજ્ય સરકારના આદેશ બાદ શનિવારે રાત્રે સુરતમાં રાત્રે 9.00ના ટકોરે કરફ્યુની શરૂઆત થતાં જ તેનો અહેસાસ શહેરના માર્ગો પર સ્પષ્ટપણે જોવા મળ્યો હતો. સુરતના જુદાજુદા વિસ્તારમાં અમારી ટીમ ફરી હતી. જ્યાં 8.45 થી જ પોલીસ દ્વારા દુકાનો બંધ કરાવવાની શરૂઆત કરાઈ હતી. તો બીજી તરફ શહેરીજનો પણ સામેથી જ જાણે સરકારના આદેશનું પાલન કરતા હોય તેમ સ્વંયભુ સમર્થન આપી ઘરમાં ભરાઈ ગયા હતાં. રાત્રે 8.45એ થોડા ઘણા વાહનો દેખાયા હતા જો કે માત્ર 20 થી 25 મીનીટમાં જ શહેરના તમામ માર્ગો સુમસામ ભાસતા નજરે પડ્યા હતાં. અને માત્ર ચાર રસ્તાઓ પર પોલીસ જ દેખાઈ હતી. રાજ્ય સરકારના આદેશના પગલે રાત્રિ કર્ફ્યૂનો ચુસ્તપણે અમલ કરાવવા શહેરના સ્થાનિક પોલીસ મથકનો પીઆઇ સહિતનો સ્ટાફ કામગીરીમાં જોડાયો હતો. જ્યારે આવશ્યક સેવા અને ઇમરજન્સી સેવાને રાત્રિ કરફ્યુમાંથી મુક્તિ આપવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ લોકોને જાગૃત કરવા લાઉડ સ્પીકર દ્વારા એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું. સુરતમાં રાત્રી કરફ્યુ સફળ રહ્યું છે. હજુ સરકાર દ્વારા બીજો આદેશ ન આવે ત્યાં સુધી રોજ રાત્રે 9.00 થી સવારે 6.00 વાગ્યા સુધી કરફ્યુ રહેશે.