કોંગ્રેસના બે ધારાસભ્યોએ અમદાવાદ પાલિકા વિપક્ષ નેતાનો ભોગ લીધો

કોંગ્રેસના બે ધારાસભ્યોએ અમદાવાદ પાલિકા વિપક્ષ નેતાનો ભોગ લીધો

ગુજરાતમાં પેટાચૂંટણીનો પ્રચાર પ્રસાર શરુ થઈ ગયો અને આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે ત્યારે ગઈકાલે ભાજપના ધારાસભ્યં ગોવિંદ પરમારે રાજીનામાની ચીમકી ઉચારીને ભાજપના નેતાઓને દોડતા કરી દીધા હતા તો આજે કોંગ્રેસમાં આંતરિક વિવાદ સામે આવ્યો છે. થોડા સમય પહેલા કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો અને કાર્યકરો દ્વારા અમદાવાદ વિપક્ષ નેતા દિનેશ શર્માને બદલવાની માંગ ઉઠી હતી. ત્યારબાદથી અમદાવાદ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ શરૂ થઇ ગયો હતો. જેને લઇને દિનેશ શર્માએ અમદાવાદ મનપાના વિપક્ષ નેતાના પદેથી આજે રાજીનામું આપી દીધું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા દિનેશ શર્માને બદલવાની માંગ બાપુનગરના ધારાસભ્ય હિંમતસિંહ પટેલ અને દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારે કરી હતી. આ બન્ને ધારાસભ્યો દ્વારા દિનેશ શર્માનો વિરોધ કરવામાં આવ્યો હતો જો કે એવી ચર્ચા થઇ રહી છે કે બન્ને ધારાસભ્યો માત્ર અહમના કારણે વિરોધ કરી રહ્યા હતા. વિરોધ બાદ અમદાવાદ પાલિકાના વિપક્ષ નેતા દિનેશ શર્માએ રાજીનામું ધરી દીધું છે. 2 ધારાસભ્યો અને દિનેશ શર્મા વચ્ચે ચાલી રહેલા વિખવાદ દરમિયાન કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોએ રાજીવ સાતવને પત્ર લખીને જણાવ્યું હતું કે હાલના સમયમાં વિપક્ષ નેતા દિનેશ શર્માને બદલવા ન જોઇએ નહીં તો કોંગ્રેસને ભારે નુકસાન થઇ શકે છે.