કેન્દ્રીય મંત્રી રૂપાલાની ભાંગરો વાટતી ટ્વિટથી લોકોમાં આશ્ચર્ય

કેન્દ્રીય મંત્રી રૂપાલાની ભાંગરો વાટતી ટ્વિટથી લોકોમાં આશ્ચર્ય

ગુજરાતી ફિલ્મોના સુપર સ્ટાર નરેશ કનોડિયા કોરોનાગ્રસ્ત થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને હાલ તેઓની સારવાર ચાલી રહી છે. ત્યારે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ ભાંગરો વાટતું ટવીટ કર્યું હતું જેને લઇ હોબાળો મચ્યો હતો.
કેન્દ્રીય મંત્રી રૂપાલાએ ટવીટ કરીને સારવાર હેઠળ રહેલ ગુજરાતી ફિલ્મના કલાકાર નરેશ કનોડિયાને શ્રદ્ધાંજલિ આપી દીધી હતી. આ અંગેની જાણ થતાં નરેશ કનોડિયાના પુત્ર અને ભાજપના ધારાસભ્ય હિતુ કનોડિયાએ પત્રકાર પરિષદ યોજીને તેમના પિતા હાલ જીવિત હોવાનું અને તેમની સારવાર ચાલી રહ્યાનું જાહેર કરી અફવાઓ ઉપર પૂર્ણ વિરામ મૂક્યું હતું. પુરુષોત્તમ રૂપાલાએ પોતાના સત્તાવાર ટવીટર એકાઉન્ટ પરથી ટવીટ કરતાં લખ્યું હતું કે ગુજરાતના મિલેનિયમ મેગા સ્ટાર, ગુજરાતના પૂર્વ સંસદ સભ્ય એવા નરેશભાઈ કનોડિયાનું આજે તા.23ને શુક્રવારે દુ:ખદ અવસાન થયું છે. પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કે સદ્ગતના દિવંગત આત્માને ચિર શાંતિ આપે, એમના કુટુંબીજનોને આઘાત સહન કરવાની શક્તિ આપે. ૐ શાંતિ શાંતિ શાંતિ..
આ ટવીટ વાયરલ થતાંની સાથે નરેશ કનોડિયાના ચાહકોમાં ગમગીની વ્યાપી જવા પામી હતી. જો કે ટવીટની જાણ થતાં જ નરેશ કનોડિયાના પુત્ર હિતુ કનોડિયાએ તુરંત જ પત્રકાર પરિષદ આયોજિત કરીને અફવા ઉપર પૂર્ણ વિરામ મૂકી દીધું હતું।
કેન્દ્રીય મંત્રીના આ ભાંગરાભર્યા ટવીટને કારણે હોબાળો મચી જતાં એકાઉન્ટ પરથી ટવીટ હટાવી લેવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી દરજ્જાના વ્યક્તિ આ પ્રકારનું ટવીટ કરે તે વાત જાણીને લોકોમાં પણ આશ્ચર્ય સર્જાયું હતું. જો કે આ અંગે હજુ સુધી પુરુષોત્તમ રૂપાલા તરફથી કોઈ જ નિવેદન આપવામાં આવ્યું નથી પરંતુ ભાંગરો વટાઈ ગયાની જાણ થતાં જ તેમણે ટવીટને દૂર કરી નાખ્યું હતું.