ગુજરાતમાં કોરોનાથી બચવા માસ્ક ફરજિયાત - આમ જનતા પાસેથી 78 કરોડ દંડની વસૂલી

ગુજરાતમાં કોરોનાથી બચવા માસ્ક ફરજિયાત - આમ જનતા પાસેથી 78 કરોડ દંડની વસૂલી

ગુજરાતમાં દિવાળીના તહેવાર અને પેટા ચૂંટણી બાદ કોરોના સંક્રમણના કેસ વધતા અમદાવાદમાં વીકેન્ડ કર્ફ્યૂ લાગતાની સાથે સુરત, વડોદરા, રાજકોટમાં પણ નાઇટ કર્ફ્યૂ અમલમાં આવ્યો છે ગઈકાલે રાજ્યમાં સૌથી વધારે 1515 કોરોના કેસ એક જ દિવસમાં નોંધાયા છે. કોરોના નિયંત્રણ માટે માસ્ક ન પહેરનાર અને જાહેરમાં થુંકનાર લોકો પાસેથી દંડ વસુલવાની કામગીરી કડક કરવામાં આવી છે જેને લઇ આજ સુધી દંડ પેટે રૂપિયા 78 કરોડ રૂપિયા વસુલવામાં આવ્યા છે જેમાં છેલ્લા 58 દિવસમાં 26 કરોડની આ‌વક દંડ પેટે થઇ છે. અંદાજિત 26 લાખ લોકો પાસેથી દંડ વસુલાયો છે. માસ્ક નહીં પહેરનારા લોકો પાસેથી દંડ વસુલવા મામલે ગુજરાત સરકારે વારંવાર નિર્ણય બદલ્યા છે. માસ્ક નહીં પહેરવાનો દંડ પહેલાં 500 રૂપિયા હતો પરંતુ તે વધુ લાગતો હોવાથી સરકારે 200 રૂપિયા કર્યો હતો પરંતુ કોરોના સંક્રમણ વધી જતાં નિયંત્રણ માટે સરકારે 500 રૂપિયાનો દંડ વસૂલ કરવાની જોગવાઇ કરી હતી અને ત્યાર પછી કોરોના સંક્રમણ વધુ ફેલાતા હાઇકોર્ટના આદેશને લઇ રાજ્ય સરકારે દંડની રકમ બમણી કરવાનો નિર્ણય કર્યો હતો અને જેને લઇ ગત તા.11 ઑગસ્ટથી આમ જનતા પાસેથી રૂા.1000 નો દંડ વસૂલાય રહ્યો છે જયારે નેતાઓ અને અધિકારીઓ મિલી ભગતમાં દંડની રકમમાંથી છૂટી જતા અનેક વિડીયો અને ફોટોમાં દેખાય છે છતાં સરકાર ચૂપ છે જેને લઇ લોકોમાં ગુસ્સો છે પણ આખરે જનતા એ જ સરકારને ચુંટી છે અને તેઓ જ વહાલા દવલાની નીતિ અપનાવતા હોઈ તો આખરે જનતા કોની પાસે ફરિયાદ કરે ?.


ગુજરાતના સાહિત્યકારે નેતાઓના તાયફાની ભારે ટીકા કરતા કહ્યું હતું કે કાયદા નિયમો પીએમ હોય કે સીએમ દરેકને લાગુ પડે છે. હું કોઈ પક્ષપાત કરતો નથી. કોઈ પક્ષનો માણસ નથી પણ સાહિત્યકાર તરીકે મુદ્દા પર વાત કરું છું. નેતાઓ પર પ્રહાર કરતા કહ્યું હતું કે અમે 10 લોકો ભેગા થાય તો કાયદાનો ઉપયોગ કરવામાં આવે છે અને તમે 1000 ભેગા થાવ તો પણ કંઈ થતું નથી. તમે કરો એ રામલીલા અને પ્રજા કરે એ ભવાઈ. ચૂંટણી પતિ ગઈ, શપથ વિધિ થઈ ગઈ, જો કરફ્યુ કરવો હતો તો દિવાળીના તહેવારમાં કરવાની જરૂર હતી. હવે કરફ્યુ કર્યો છે આમા પ્રજા શુ કરે ?