ગુજરાતમાં વિકેન્ડ કર્ફયુ લાગુ કરવાને લઇ શું કહ્યું ડે.સીએમ નિતીન પટેલએ વાંચો

ગુજરાતમાં વિકેન્ડ કર્ફયુ લાગુ કરવાને લઇ શું કહ્યું ડે.સીએમ નિતીન પટેલએ વાંચો

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે પત્રકાર પરિષદ યોજીને જાહેરાત કરી હતી કે કોરોના કહેરને લઇ ગુજરાતના 4 મહાનગરમાં હાલ રાત્રિ કર્ફ્યૂ છે જેને હાલ યથાવત રાખવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. રાજ્યના મહાનગરોમાં વીક એન્ડમાં દિવસે કર્ફ્યૂ લાદવાનો હાલ કોઈ વિચાર નથી. આપણે રાજ્યમાં ગરીબો અને મધ્યમ વર્ગનું પણ વિચારવું પડે. નાના લોકોના ધંધાનું પણ વિચારવાનું છે માટે આવી કોઇ અફવામાં તમારે ન આવવું જોઇએ। રાજ્યમાં કોરોનાની વણસી રહેલી સ્થિતિને જોતાં સરકારે અમદાવાદ ઉપરાંત સુરત, વડોદરા અને રાજકોટમાં શનિ અને રવિના દિવસે કર્ફ્યૂ લાદવા સરકાર વિચારી રહી હોવાની વાતને ડે.સીએમએ અફવા ગણાવી હતી.નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં પ્રવેશ માટે ટેસ્ટ ફરજિયાતનો નિર્ણય લેવાયો નથી અને જેમને બહાર જવું છે તેમના વિનામુલ્યે કોરોનાના એન્ટીજન ટેસ્ટ થાય છે.રાજ્યનો નાગરિક બહાર જવાનો હોય કે ન જવાનો હોય તે પોતાના માટે આ ટેસ્ટ ફ્રીમાં કરાવી શકે છે. ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા અન્ય રાજ્યો કરતા ઓછી છે.


વેક્સિનના ટ્રાયલને લઈને Dy.CMએ નિવેદન આપ્યુ હતું કે વેક્સિનને લઈને તબીબોની ટ્રેનિંગ પૂર્ણ થઈ છે અને હાલ વેક્સિનના ટ્રાયલ ચાલી રહ્યા છે. દરરોજના 20 તંદુરસ્ત યુવકો પર વેક્સિનનો ટ્રાયલ કરવામાં આવશે. એક મહિનામાં 2 વાર વેક્સિનનો પ્રયોગ યુવકો પર કરવામાં આવશે જેના માટે સ્વયંસેવકો જાતે જ આગળ આવી રહ્યા છે.
ગુજરાતના મુખ્યમંત્રીએ ગઈકાલે વડાપ્રધાન સાથેની કોન્ફરન્સમાં કહ્યું હતું કે અમદાવાદ સહિત અન્ય શહેરોમાં કોવિડ બેડની સંખ્યા વધારીને 55,000 કરાઇ છે જેમાં 82 ટકા બેડ ખાલી છે. કોરોના અસરગ્રસ્ત વિસ્તારોમાં સારવાર માટે ધન્વંતરી રથની સંખ્યા વધારીને 1700 કરી છે. અમદાવાદ શહેરમાં 125 થી વધુ કિયોસ્ક અને 74 અર્બન હેલ્થ સેન્ટરમાં સતત કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે જેમાં અત્યારસુધીમાં અંદાજે 11 લાખ ટેસ્ટ થયા છે જ્યારે રાજ્યમાં રોજના અંદાજિત 70 હજાર ટેસ્ટ થઇ રહ્યા છે. લગ્નો અને જાહેર સમારોહમાં લોકોની સંખ્યા મર્યાદા 200 થી ઘટાડીને 100 કરવામાં આવી છે. જ્યારે અંતિમવિધિમાં 50 લોકોને સામેલ થવાની મંજૂરી આપવામાં આવી છે. બોન્ડ ધરાવતા ડોક્ટરોને એપિડેમિક એક્ટ અંતર્ગત તાત્કાલિક હાજર થવા જણાવાયું છે. જનરલ સર્વેલન્સ અને કમ્યુનિટી સર્વેલન્સ ટીમોની સંખ્યા વધારવામાં આવી છે.