જામનગર : જમાઈના હાથે સસરાની કરપીણ હત્યાથી સનસનાટી

જામનગરમાં બે દિવસે પુર્વે મોડી રાત્રે તળાવની પાળ નજીક શ્રીનાથજી એપાર્ટમેન્ટના પાર્કિગમાં જમાઈએ ઈંટોના ઘા ઝીંકીને સસરાની કરપીણ હત્યા નીપજાવી છે. અમદાવાદના મકાનના વાસ્તુ પ્રસંગનું આમંત્રણ આપવા કાલાવડથી દીકરીના ઘરે આવેલા આરએસએસના કાયર્કર અને કાલાવડના નગર કાર્યવાહક તરીકે દોઢ દસકા સુધી કાર્યભાર સંભાળનારા વિજયભાઈ ભટ્ટની હત્યા થતાં ભારે ખળભળાટ મચ્યો છે. છેલ્લા આઠેક વર્ષથી સસરા જમાઈ વચ્ચે સબંધ તૂટી ગયા બાદ ગઈ કાલે સસરા ઘરે આવતા ઉસ્કેરાઈ ગયેલ જમાઈએ તેઓની હત્યા નીપજાવી હતી. પોલીસે આરોપીને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવના પગલે રાજ્યના કેબીનેટ મંત્રી ફળદુ, રાજ્ય મંત્રી હકુભા સહિતનાઓ ઘટના સ્થળે પહોચ્યા હતા. શહેરના દિગ્વિજય પ્લોટ શેરી નં.12ના છેડે આવેલા તળાવની પાળ સામે શ્રીનાથજી એપાર્ટમેન્ટમાં વિજયભાઇ બી. ભટ્ટ નામના પ્રૌઢ તેના જમાઈ મનિષ જાનીના ઘરે આવ્યા હતા જે દરમિયાન કાલાવડમાં રહેતા આ વિપ્ર પ્રૌઢ સાથે તેના જમાઇને કોઇ પારીવારીક બાબતે બોલાચાલી થઇ હતી.જે બોલાચાલીએ થોડી ક્ષણોમાં જ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધુ હતુ. જે દરમિયાન જમાઇના ઘરના પાર્કિગમાં જ બંને વચ્ચે બબાલ થઇ હતી અને સામસામી મારામારી પણ થઇ હોવાનુ જાણવા મળ્યુ છે. સસરા વિજયભાઇ ભટ્ટને માથાના ભાગે ઇંટોના આડેધડ ધા ઝીંકી દેવાતા તેઓ ઘટનાસ્થળ પર લોહીલુહાણ હાલતમાં ઢળી પડયા હતા.જયારે જમાઇને પણ ઇજા થયાનુ બહાર આવ્યુ છે. આ બનાવના પગલે પરીવારજનો સહિત આજુબાજુના લોકો એકત્ર થઇ ગયા હતા.કોઇએ 108ની ટીમને જાણ કરતા ટુકડી ઘટનાસ્થળે દોડી ગઇ હતી.જોકે, ભોગગ્રસ્તને ચકાસતા તેઓ મૃત જણાઇ આવ્યા હતા.આથી સીટી એ પોલીસની ટુકડી પણ ઘટનાસ્થળે દોડી ગઇ હતી.આ બનાવ અંગે મૃતકના સંજયભાઇ રમેશભાઇ ભટ્ટએ આરોપીની સામે આઈપીસી કલમ 302 તેમજ અન્ય કલમો મુજબ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓની મોટા બાપુ વિજયભાઇ ભાનુશંકરભાઇ ભટ્ટ પોતાની દીકરી ફાલગુનીબેનના ઘરે પોતાના દીકરા સચીનભાઇના નવા મકાનના વાસ્તુ માટે આમંત્રણ આપવા માટે ગયેલ હોય અને આ કામેના આરોપી પોતાના જમાઇ મનિષભાઇ સુરેશચંદ્ર જાની સાથે છેલ્લા આઠેક વર્ષથી પ્રસંગોપાત એક બીજાના ઘરે આવવા જવાનો વ્યવહાર ન હોય જેથી પોતાની પત્નિ સાહેદ ફાલગુનીબેનને વાસ્તુના પ્રંસંગમાં જવા દેવા ન માંગતા હોય જે બાબતે આરોપી મનિષભાઇ જાનીએ આ કામેના ફરીયાદીના મોટા બાપુ વિજયભાઇ ભાનુશકંરભાઇ ભટ્ટ સાથે બોલાચાલી કરી માથાના ભાગે ઇંટના ઘા મારી ગંભીર જીવલેણ ઇજા કરી મોત નિપજાવી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.