જામનગર : માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ તંત્રએ કરી લાલ આંખ

જામનગર શહેરમાં દિનપ્રતિદિન કોરોનાનો ગ્રાફ ખૂબ જ ઉંચો જઇ રહ્યો છે. જી.જી.કોવિડ હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. જેને લઇને આજે જામનગર શહેર પ્રાંત અધિકારી આસ્થા ડાંગર અને એએસપી નિતીશ પાંડે તેમજ સીટી મામલતદાર નંદાણીયા સહિતનો વહીવટી સ્ટાફનો કાફલો જી.જી.હોસ્પિટલ પાસે પહોંચ્યો હતો અને ચેકીંગ હાથ ધર્યુ હતું. પ્રાંત અધિકારી દ્વારા સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્કની કડક અમલવારી કરવા ચેતવણી આપી હતી.જામનગરમાં વધતા કોરોનાના કેસને લઇને આજે પ્રાંત અધિકારી આસ્થા ડાંગર અને એએસપી નિતીષ પાંડે તેમજ સીટી મામલતદાર નંદાણીયા તેની વહીવટી કાફલા સાથે જી.જી.હોસ્પિટલ મેઇન રોડ ઉપર કોરોનાની ગાઇડલાઇનની અમલવારી માટે પહોંચ્યા હતા. જયાં જી.જી.હોસ્પિટલની સામે આવેલી તમામ દુકાનોના વેપારીઓને રોડ ઉપર રાખવામાં આવેલા માલ-સામાનને દુકાનમાં રાખવા આદેશ કર્યો હતો અને માસ્ક ન પહેરીને તેમજ સોશ્યલ ડિસ્ટન્સની અમલવારી નહી કરનાર વેપારીઓને પ્રાંત અધિકારી આસ્થા ડાંગર દ્વારા ચેતવણી આપવામાં આવી હતી...તેમજ જો સોશ્યલ ડિસ્ટન્સની અમલવારી નહી કરાઇ તો દુકાનોને પણ સીલ કરાશે. આ ઉપરાંત એએસપી નીતીષ પાંડે દ્વારા ખાસ કરીને ચા-પાનના દુકાનદાર વેપારીઓને એવી સુચના આપી હતી કે, દુકાને લોકોના ટોળા એકત્ર ન થાય તેમજ જાહેરમાં કોઇ ધ્રુમપાન ન કરવા પણ સુચના આપી હતી. તેમજ સીટી મામલતદાર નંદાણીયા અને તેની ટીમે તમામ દુકાનદારોને માસ્ક ફરજીયાત પહેરી રાખવા અને ગ્રાહકોને પણ માસ્ક પહેરીને જ માલ-સમાન આપવા અપીલ કરી હતી. આ અધિકારીઓના ચેકીંગ દરમ્યાન જી.જી.હોસ્પિટલની સામે આવેલી તમામ પાનની દુકાનો બંધ કરાવવામાં આવી હતી.
પ્રાંત અધિકારી અને એએસપીનો કાફલો સીધો જ ત્રાટકતા વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાયો હતો. આ જયારે લખાઇ રહ્યું છે ત્યારે જી.જી.હોસ્પિટલના રોડ ઉપર ચેકીંગ હાથ ધર્યા બાદ આખી ટીમ એસ.ટી.બસ સ્ટેન્ડ રોડ ઉપર ચેકીંગ માટે પહોંચી હતી ત્યાં પણ પ્રાંત અધિકારી અને એએસપી દ્વારા વેપારીઓને કોરોના સંદર્ભની સરકારની ગાઇડ લાઇનનો ચુસ્તપણે અમલવારી કરવા ચેતવણી આપવામાં આવી હતી. આમ જામનગરમાં કોરોનાના સંક્રમણને અટકાવવા વહીવટી તંત્ર આજે પ્રથમ વાર એલર્ટ બન્યું છે. જો કે કોરોનાના સંક્રમણને નાથવા માટે આરંભે સુરા જેવો ઘાટ ન સર્જાય તે જરૂરી છે. પ્રાંત અધિકારી અને એએસપીના સંયુકત ઝુંબેશને લઇને જામનગર શહેરમાં વેપારીઓ એલર્ટ બન્યા છે.