નીતિન પટેલ ઉપર ચપ્પલ ફેંકવા મુદ્દે સીએમ રૂપાણીની કોંગ્રેસને ચેતવણી

નીતિન પટેલ ઉપર ચપ્પલ ફેંકવા મુદ્દે સીએમ રૂપાણીની કોંગ્રેસને ચેતવણી

આવાનરી તા.3 નવેમ્બરે ગુજરાત રાજ્યની 8 બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે ત્યારે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરજણ બેઠક પર ચૂંટણી પ્રચાર કર્યો હતો. મુખ્યમંત્રી રૂપાણીએ કરજણમાં જાહેરસભાને સંબોધિત કરતા ગઈ કાલે ડે.સીએમ નીતિન પટેલ ઉપર ચપ્પલ ફેંકવા મુદ્દે કોંગ્રેસને ચેતવણી આપી હતી.
ગઈકાલે કરજણના કુરાલી ગામે નીતિન પટેલ ઉપર અજાણયા વ્યક્તિ દ્રારા ચપ્પલ ફેકાવાના મામલે CM રૂપાણીએ કોંગ્રેસને ચેતવણી આપતા કહ્યું હતું કે કોંગ્રેસ સંયમમાં રહે, નીતિન પટેલ પર ચપ્પલ ફેંકનાર કોંગ્રેસી જ હશે, થોડા દિવસ અગાઉ સુરતમાં ઈંડુ ફેંકનાર કોગ્રેસના માણસ હતા. ભાજપનો કાર્યકર શાંત છે ત્યાં સુધી સારૂ છે નહીં તો ભાજપનો કાર્યકર ઈંટનો જવાબ પથ્થરથી આપશે.
ગઈકાલે કરજણમાં નીતિન પટેલ પર ચપ્પલ ફેંકવાના મામલે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ કટાક્ષ કરતા કહ્યું હતું કે ચપ્પલ ફેંકવાની નવી ફેશન આવી છે. ચપ્પલ ફેંકી નહીં પરંતુ મતથી જવાબ આપો. ચૂંટણી આવતા લુખ્ખા તત્વોને જેલમાંથી બહાર કાઢી તેમનો ચૂંટણી જીતવા ઉપયોગ કરાય છે. જ્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કટાક્ષ કરતા કહ્યું કે તમારી જ પાર્ટીમાં અસંતોષ છે. તેમણે જ આ કૃત્ય કર્યું હશે.
DyCM નીતિન પટેલ ઉપર ચપ્પલ ફેંકવા મામલે ગૃહરાજ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા હતા. ત્યારે હવે પોલીસ તપાસ કરી રહી છે. CCTV ફૂટેજ આધારે શંકાસ્પદને અલગ તારવ્યો છે. શંકાસ્પદ ફોટો આધારે શખ્સની શોધખોળ સાથે ચપ્પલ ફેંકાયા બાદ પોલીસ એકશનમાં છે. આજે કરજણમાં CM રૂપાણીની જાહેરસભા પહેલા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને સભામાં આવનાર તમામ લોકોનું ચેકિંગ કરાયુ હતું.