બારડોલી : લોકડાઉન વચ્ચે વહીવટી તંત્ર દ્વારા અચાનક બજારમાં મુલાકાત લીધી

બારડોલીમાં લોકડાઉન વચ્ચે આજે વહીવટી તંત્ર દ્વારા આજરોજ અચાનક બજારમાં મુલાકાત લીધી હતી. બજારમાં આવશ્યક ચીજવસ્તુઓની જે દુકાનો ખુલ્લી છે તેમાં માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન કરવામાં આવે છે કે નહીં તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બારડોલી આરોગ્ય વિભાગને સાથે રાખી પાર્સલ સેવા પૂરી પાડતી હોટેલ રેસ્ટોરન્ટના સ્ટાફનો રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યું હતું.
બારડોલીમાં વહીવટી તંત્ર દ્વારા ગત સોમવારથી 6 દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. બારડોલી ઉપરાંત તાલુકાના કડોદ, મઢી, સુરાલી, ઇસરોલી, તેન અને બાબેનમાં પણ લોકડાઉન જાહેર કરવામાં આવતા તમામ બજારો સ્વયંભૂ બંધ છે. જો કે આ બંધમાં કેટલીક આવશ્યક સેવાઓ ઉપરાંત હોટેલ રેસ્ટોરન્ટને પાર્સલ સેવા પૂરતી છૂટ આપવામાં આવી છે.
આ છૂટ લેનારી દુકાનો અને હોટલ રેસ્ટોરન્ટમાં સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક સહિતના નિયમોનું પાલન કરવામાં આવે છે કે નહીં તેનું નિરીક્ષણ કરવા માટે બારડોલી વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર બજારમાં ઉતર્યું હતું. તંત્ર દ્વારા ખુલ્લી દુકાનોનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું અને તમામને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ કરવામાં આવી હતી. એટલું જ નહીં તંત્ર દ્વારા પાર્સલ સુવિધા પૂરી પાડતી રેસ્ટોરન્ટ અને હોટેલોના સ્ટાફના રેપીડ ટેસ્ટ પણ કર્યા હતા.
આજે બજારમાં કોવિડ માર્ગદર્શિકાનું પાલન થઈ રહ્યું છે કે નહીં તે અંગે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આરોગ્યની ટીમને સાથે રાખી 6 જેટલા સ્થળો પર 18 લોકોના રેપીડ ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા. જેમાં એક પણ કેસ પોઝીટીવ આવ્યો ન હતો.