ભાભર : ભારત વિકાસ પરિષદ દ્વારા પાલિકાના એસ.આઇ અને મજૂરોનું સન્માન

ભારત વિકાસ પરિષદ ભાભર શાખા દ્વારા પાલિકાના એસ.આઇ અને મજૂરોનું સન્માન કરાયું.
ભાભર નગર પાલિકા દ્વારા સોમવારના દિવસે ભૂગર્ભ ગટર લાઇન સફાઇ કામગીરી ચાલી રહી હતી ત્યારે ભૂગર્ભ ગટરમાં સફાઈ કરવા માટે પ્રવિણભાઇ વાલ્મિકી અને અંકિતગર ગોસ્વામી બન્ને કર્મચારીઓ ગટર અંદર ઉતરી સફાઈ કામગીરી કરતા હતા ત્યારે ગેસના કારણે ગુંગળામણ થી અંદર જ બેભાન થઈ જતાં જીવનું જોખમ ઊભું થયું હતું. તે સમયે ભાભર પાલિકાના એસ આઈ જયેશભાઈ ચૌધરીને ફોન દ્વારા જાણ કરવામાં આવતા તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી પોતાની સુઝબુઝ અને જીવની પરવા કર્યા વગર તેઓ અને વાલ્મિકી તેજા માઘાભાઈ બન્ને અંદર ઉતરી બેભાન અવસ્થામાં ફસાઈ ગયેલા બન્ને કર્મચારીઓને બહાર કાઢી બચાવી લીધા હતા અને તાત્કાલિક ૧૦૮ વાન બોલાવી સારવાર અપાવી સ્વસ્થ થતાં ભાભર નગર પાલિકા કર્મીઓ અને ચુંટાયેલા સભ્યોએ હાશકારો અનુભવ્યો હતો. ભાભર પાલિકાના બન્ને મજુર કર્મીઓને મોતના મુખમાંથી બચાવનાર અને પોતાના જીવની પરવા કર્યા વગર ઉમદા કાર્ય કરવા બદલ જયેશભાઈ ચૌધરીનું અને તેજાભાઇ વાલ્મિકી નું ભારત વિકાસ પરિષદના પ્રમુખ અરવિંદભાઈ પટેલ, ડોકટર નરેશભાઈ અખાણી, ઠક્કર હિરાલાલ, સુરેશભાઈ દરજી,દયારામભાઈ ઠક્કર, હિતેશકુમાર આચાર્ય, મહેશભાઇ ઠક્કર, વિક્રમસિંહ રાઠોડ, જીવાભાઈ પટેલ સહિત ભારત વિકાસ પરિષદ શાખાના સભ્યો દ્વારા મોમેન્ટો આપી શાલ ઓઢાડી,સન્માનપત્ર આપી સન્માન કરી તેમની કામગીરી ને બિરદાવી હતી.