ભાવનગર : અલંગના વેપારને બમણો કરવા મંત્રી સાથે યોજાયો સેમીનાર

એશિયાના સૌથી મોટા શીપ રીસાયકલીંગ ઉદ્યોગ એવા અલંગના વેપાર ધંધાને વેગ આપવા અને વેપાર બમણો કરવા અંગેની જાહેરાત નાણામંત્રીએ બજેટમાં કર્યા બાદ આજે ભાવનગર ખાતે કેન્દ્રીય શીપીંગ મંત્રી ડો.મનસુખ માંડવીયા અને શીપબ્રેકરો વચ્ચે સંવાદ અંગેનો એક સેમીનાર SRIE HOUSE ખાતે યોજાયો હતો. જેમાં અલંગનો વિકાસ અને વેપારમાં વૃદ્ધિ કઈ રીતે થઇ શકે તે અંગેની ચર્ચા કરવામાં આવી હતી.જેમાં મેયર,સાંસદ, કલેકટર અને શીપબ્રેકરો ઉપસ્થિત રહ્યા હતા.
એશિયાના સૌથી મોટા શીપ બ્રેકીંગ યાર્ડ અલંગમાં હોંગકોંગ કન્વેન્શન અમલી બનાવી તેમાં એશિયા ઉપરાંત યુરોપના જહાજો પણ ભાંગવા માટે આવે તે મુજબનું આયોજન કરવામાં આવ્યું છે અને જેમાં હાલ મોટાભાગના પ્લોટ હોંગકોંગ કન્વેન્શન મુજબ જહાજોનું કટિંગ કરી રહ્યા છે ત્યારે ચાલુ વર્ષના બજેટમાં જયારે અલંગનું ઉત્પાદન જે ૩૨ લાખ મેટ્રિક ટન છે તે ડબલ એટલેકે ૬૪ લાખ મેટ્રિક ટન કેવી રીતે કરી શકાય તે અંગે ચર્ચા અંગેનો એક સેમીનાર SRIE HOUSE ખાતે યોજાયો હતો. કેન્દ્રીય શીપીંગ મંત્રી ડો.મનસુખ માંડવીયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ સેમિનારમાં મેયર, સાંસદ, કલેકટર, અને મોટી સંખ્યામાં શીપબ્રેકરો ઉપસ્થિત રહ્યા હતા અને અલંગ અંગે ચર્ચાઓ કરી હતી.જેમાં સરકારી પડેલા પ્લોટ ને જ્યાં સુધી લીઝ પર ના આપવામાં આવે ત્યાં સુધી બાજુવાળા પ્લોટ ધારકને તેનો ઉપયોગ કરવામાં દેવામાં આવે, વધુને વધુ શીપ રીસાયકલીંગ માટે આવે, જરૂર પડે ત્યાં પોલીસીમાં ફેરફાર, ફર્નેશ અને રોલીંગ મિલોના પ્રશ્નોનું નિરાકરણ, કાચો માલ વધુ પ્રાપ્ત થાય તે દિશામાં કામગીરી, અલંગના માલનો એક્સ્પો યોજવો, હોંગકોંગ કન્વેન્શન મુજબ નું ઈન્ફ્રાસ્ટ્રક્ચર અપનાવી સેફટીને વધુ મહત્વ આપવું, યુરોપ, જાપાન ના એમ્બેસેડર પણ અલંગની મુલાકાત લે અને વધુમાં વધુ જહાજો અહી ભંગાણ માટે આવે અને આગામી પાંચ વર્ષમાં અલંગનું ઉત્પાદન બમણું થાય તે દિશામાં કામગીરી અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી.
અગાઉના વર્ષોમાં અલંગ ખાતે જહાજો વધું સંખ્યામાં ભંગાણ માટે આવ્યા હતા જયારે ગત વર્ષે સંખ્યામાં ભારે ઘટાડો થયો હતો જે અંગે શીપીંગ મંત્રીએ કહ્યું કે કોરોના મહામારી ને લઇ અનેક ઉદ્યોગોને ફટકો પડ્યો છે જેમાં શીપ રીસાયકલીંગ ઉદ્યોગ પણ બાકાત નથી પરંતુ આગામી સમયમાં હોંગકોંગ કન્વેન્શન અહી અમલી બનતા એશિયાના સાથી દેશો કે જ્યાં શીપ રીસાયકલીંગ થાય છે તેના કરતા વધુ જહાજો અહી ભંગાણ માટે આવશે.