ભાવનગર : શિક્ષકો દ્વારા વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું

મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત ભાવનગરમાં ૨૦૦થી વધુ શિક્ષકો સાથેની બાઇક રેલીને અધિક કલેકટરે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું
સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી-૨૦૨૧ અંતર્ગત ભાવનગર શિક્ષણ વિભાગ દ્વારા મતદારોમાં મતદાન પ્રત્યે જાગૃતિ વધે તે હેતુથી વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાવનગરના ૨૦૦ થી વધુ શિક્ષકો ૧૦૦ થી વધુ બાઇક સાથે જોડાયા હતા અને 'મતદાન સે બને દેશ સશક્ત', 'મતદાન મહાદાન', 'વિકાસ અધુરો મતદાન વિના' સહિતના કાર્ડ સાથે ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી મતદાન પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રેરક પ્રયાસ કર્યો હતો. આ બાઇક રેલીને અધિક કલેક્ટર ઉમેશ વ્યાસ તેમજ જિલ્લા શિક્ષણાધિકારી એન.જી.વ્યાસે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
રેલીને પ્રસ્થાન કરાવતી વેળાએ અધિક કલેકટરે જણાવ્યું હતું કે ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ૪૬૯ જેટલા મતદાન મથકો પર આગામી ૨૧ મી તરીકે મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે લોકો ઇ.વી.એમ.ની પ્રણાલીથી વાકેફ થાય, ૪ ઉમેદવાર પસંદ કર્યા બાદ રજીસ્ટરનું પીળું બટન દબાવવાનું ન ભૂલે સહિતની બાબતો અંગે લોકોમાં જાગૃતિ આવે તેમજ શહેરના વિવિધ વિસ્તારના નાગરિકો, બહેનો તથા નવા યુવા મતદારોમાં મતદાન પ્રત્યેની જાગૃતિ લાવી વધુમાં વધુ મતદાન થાય તે અંગેનો આ એક પ્રેરક પ્રયાસ છે. ઉપરાંત મતદાન માટે તમામ શહેરીજનો આગળ આવે અને ૧૦૦ ટકા મતદાન કરવા અંગેની જાગૃતિ કેળવાય તે હેતુથી શિક્ષકો દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
શિક્ષકો દ્વારા આયોજિત આ બાઇક રેલી ભાવનગર શહેરના જશોનાથ મહાદેવ મંદિરેથી શરૂ થઈ કલેક્ટર કચેરી, સંત કવરામ ચોક, માધવ દર્શન, રબ્બર ફેક્ટરી, ઘોઘા સર્કલ, મહિલા કોલેજ, સુભાષનગર, શિવાજી સર્કલ, રામમંત્ર મંદિર, પાણીની ટાંકી, જવેલ્સ સર્કલ, આર.ટી.ઓ., નિલમબાગ, બહુમાળી ભવન સહિતના વિસ્તારોમાં ફરી જશોનાથ મંદિર ખાતે પરત આવી હતી.