ભાવનગર : સિહોરના સણોસરા ગામે ઝોકમાં દીપડીએ 24 બકરાનું મારણ કર્યુ

સિહોર તાલુકાના સણોસરા ગામે ગૌચર વિસ્તારમાં બનાવાયેલ ઝોકમાં ગઇ રાત્રે દીપડી અને તેનું બચ્ચુ જાળી કુદી હુમલો કર્યો હતો જેમાં ૨૪ બકરાના મોત નિપજ્યા હતાં વહેલી સવારે લોકોને આવતા જોઇ દીપડી જાળી ટપી નાસી છુટી હતી તો તેનું બચ્ચુ પણ પાછળથી કુદી નાસી ગયુ હતું. બનાવ અંગે તુર્ત જ વન વિભાગને જાણ કરતા કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. મૃતક બકરામાં ૮ જેટલા બકરાને દીપડીએ શિકાર બનાવ્યો હતો અને બંધ ઝોકમાં અન્ય બકરા પણ ફફડીને મોતને ભેટયા હતા. આમ એકીસાથે ૨૪ બકરાનું મારણ થતાં માલધારીઓમાં પણ ભયનો માહોલ પ્રસરી જવા પામ્યો હતો. વન વિભાગના અધિકારી સ્ટાફ દ્વારા જરૂરી પંચનામુ સહિતની કાર્યવાહી કરી દીપડાને પાંજરે પુરવા અલગ અલગ લોકેશન ઉપર બે પાંજરા ગોઠવી દેવાયા હતાં.