મહેસુલ વિભાગની તમામ કાર્યવાહી ઓનલાઇન - ગુજરાત મહેસુલ મંત્રી કૌશિક પટેલ

મહેસુલ વિભાગની તમામ કાર્યવાહી ઓનલાઇન - ગુજરાત મહેસુલ મંત્રી કૌશિક પટેલ

ગુજરાત સરકાર દ્રારા મહેસૂલ વિભાગની ઇન્ટીગ્રેટેડ રેવેન્યુ ઇનસ્પેક્શન સીસ્ટમ ઓનલાઇન કરવામાં આવી છે. ત્યારે તમામ મહેસૂલી પરવાનગી, હક્કપત્રકની નોંધો અને મહેસૂલી કેસની તપાસ હવેથી ઓનલાઇન કરવામાં આવશે. રાજ્યના મહેસૂલ મંત્રી કૌશિકભાઇ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ દ્વારા મહેસૂલી પ્રક્રિયાને વધુ ઝડપી અને સરળ બનાવવાનો નિર્ધાર કરાયો છે. જેના પરીણામે અનેકવિધ મહેસૂલી સુધારા રાજ્ય સરકારે કર્યા છે. રાજયના મહેસૂલી વહીવટને કમ્પ્યુટરાઈઝડ, સલામત, સુરક્ષિત, સુદ્દઢ અને ઝડપી બનાવવાના પગલાંરૂપે હસ્તલિખિત મહેસૂલી રેકર્ડ જાન્યુઆરી - 2004થી ડિજીટાઈઝ કરી ઓનલાઈન કરવામાં આવ્યો છે. ઉપરાંત રાજયની તમામ જમીનોના 8 કરોડ જેટલા હસ્તલિખિત 7/12 અને હસ્તલિખિત નોંધોને સ્કેન કરીને ઓનલાઇન ઉપલબ્ધ કરાવ્યાં હોવાનો દાવો મહેસુલ પ્રધાને કર્યો છે. ઇ-ગવર્નન્સના માધ્યમ અને અદ્યતન ટેક્નોલોજીના ઉપયોગથી આઇઓઆરએ પર બિનખેતી પરવાનગી, પ્રીમિયમ પરવાનગી, બોનાફાઇડ ઇન્ડસ્ટ્રીયલ પરવાનગી, વારસાઇ નોંધ, સુધારા હુકમ, જમીન માપણી જેવી 27 જેટલી વિવિધ સેવાઓ ઓનલાઇન કરી સીંગલ વિન્ડો સીસ્ટમને યથાર્થ બનાવી છે
સમગ્ર દેશમાં પ્રથમ વખત ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા મહેસૂલ વિભાગની કચેરીઓની તપાસણીની પ્રક્રિયા ઓનલાઇન કરી ઇન્ટીગ્રેટેડ રેવન્યુ ઇન્સપેક્શન સિસ્ટમ દ્વારા હવેથી તમામ મહેસૂલી પરવાનગી, હક્કપત્રકની નોંધો અને મહેસૂલી કેસની તપાસ ઓનલાઇન મોડ્યુલમાં કરવામાં આવશે. જોકે રાજયમાં મહત્વની તમામ મહેસૂલી પરવાનગી પ્રક્રિયા ખૂબ જ કાર્યક્ષમ રીતે તથા સમયમર્યાદામાં પારદર્શી રીતે થાય તે માટે મહેસૂલ તપાસણી કમિશ્નરશ્રીની કચેરી દ્વારા રાજયની તમામ મહેસૂલી કચેરીઓની તબક્કાવાર તપાસ કરવામાં આવે છે. ઇન્ટીગ્રેટેડ રેવન્યુ ઇન્સપેક્શન સિસ્ટમ દ્વારા હવેથી મહેસૂલી કચેરીઓની તપાસણી ઓનલાઇન કરવાથી સમયની બચત સાથે ગુણવત્તાસભર તપાસ થશે અને કાર્યક્ષમ રીતે મહેસૂલી કામગીરી થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ઉપરાંત મહેસૂલી કચેરીઓની ભૌતિક ચકાસણી કરવાની હોય તે માટે ઇન્સપેક્શન ટીમ જિલ્લા કચેરીએ જઇને કચેરી કચેરીની તપાસ કરશે. ટેકનોલોજીના ઉપયોગથી મહેસૂલ વિભાગે અરજી પ્રક્રિયાથી તપાસ સુધીની પ્રક્રિયા ઓનલાઇન કરીને તમામ સરકારી વિભાગો માટે દ્રષ્ટાંત પુરું પાડ્યું છે. આજે લોકાર્પણ થયેલા આ નવી ટેકનોલોજીના લોકાર્પણ પ્રસંગે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, સચિવ તથા મહેસૂલ વિભાગના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં આઇઆરઆઇએસ ઇન્ટીગ્રેટેડ રેવન્યુ ઇન્સપેક્શન સિસ્ટમ લોન્ચ કરવામાં આવી હતી.