વંથલી : આશા વર્કર બહેનો પોતાની વ્યાજબી માંગણી સંદર્ભે કરી રજૂઆત

વંથલી તાલુકામાં આરોગ્ય વર્કર તરીકે કામ કરતી આશા વર્કર બહેનો દ્વારા આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કણઝા ખાતે એકત્રિત થઇ પોતાની વ્યાજબી માંગણીઓ સંદર્ભે લેખિત માંગણીઓ આવેદનપત્ર સ્વરૂપે આપી પોતાની વેદનાઓને વાચા આપવા નમ્ર પ્રયાસ કરાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આરોગ્ય ક્ષેત્રે કરવાની થતી દરેક કામગીરી જેમ કે, મેલેરિયા અટકાવવા ઘરે ઘરે દવા વિતરણ, સગર્ભા બહેનો અને કુપોષિત બાળકો ની નિયમિત મુલાકાત, આંગણવાડી કેન્દ્રો ની મુલાકાત, જેવી રૂટીન કામગીરીઓ ઉપરાંત હાલ માં ચાલી રહેલ વૈશ્વિક મહામારી કોરોના કાળ માં લોકો જ્યારે ભયભીત હતા ત્યારે અધિકારીઓ પણ પ્રજા સાથેનો સંવાદ ટાળી કચેરી માં બેસી વહીવટ ચલાવતા હતા ત્યારે આ આશા વર્કર બહેનો કોરોના ગ્રસ્ત પરિવાર ની મુલાકાત લઇ તેઓને હૈયા ધારણા આપી તેઓ પર આવી પડેલ આ દુખ માં સહભાગી થવા ખડેપગે રહી સારવાર આપવામાં મહત્વ નો ભાગ ભજવતી આ બહેનો એ કોરોના વેક્સીન કાર્યક્રમ ની સફળતા માં પણ અનેરું અને મહત્વનું યોગદાન આપ્યું હતું. રાજ્ય સરકાર વેક્સીન ની સફળતા નાં આંકડાઓ રોજબરોજ મીડિયામાં પ્રસિદ્ધ કરે છે પરંતુ આ વેક્સીન ની સફળતા પાછળ યોગદાન આપનારી આ મહિલાઓ નું સન્માન કરવું તો બાજુએ રહ્યું પરંતુ જાન નાં જોખમે તેઓ દ્વારા કરાતી કામગીરીને બિરદાવી યોગ્ય વેતન આપવામાં પણ ઠાગાઠૈયા કરી રહી છે. પોતાના જાન નાં જોખમે ફરજ પ્રત્યેની નિષ્ઠા ધરાવતી આ બહેનો તંત્ર નાં હુકમ નું ત્વરિત અમલ કરવા સમય ની પણ પરવાહ કરતી નથી. સરકારી કર્મચારીઓને કામ કરવાનો એક નિયત સમય હોય છે. પરંતુ આ બહેનો તો રાત દિવસ ખડે પગે રહે છે. છતાં પણ આ નીમ્ભર તંત્ર દ્વારા તેમને યોગ્ય વળતર ચુકવવામાં આવતું નથી. તેવી વેદનાઓ આજે તંત્ર સમક્ષ આ લાડલી બહેનો દ્વારા ઠાલવવામાં આવી છે.
વિશેષ જણાવવાનું કે રાજકીય મેળાવડાઓ માં જનસંખ્યા બતાવવી હોય કે કોઈ તાયફાઓ કે તમાશાઓ કરવા હોય, તો પણ આ આશા વર્કર બહેનો નો દુરુપયોગ કરતી રાજ્ય સરકાર ફક્ત ૩૩ રૂપિયા નાં નજીવા રોજે ફૂલ ટાઈમ કામ કરાવી રહી છે તે કેટલા અંશે વાજબી કહેવાય ?? તેવું જણાવી આશા વર્કર બહેનોએ રડતા રડતા મીડિયા ને જણાવ્યું હતું કે, ૩૩ રૂપિયા માં અમારા પરિવાર નું ગુજરાન કેમ ચલાવવું ? આજે કરાયેલ રજૂઆત માં આશા વર્કર બહેનો દ્વારા માનદ વેતન વધારવા, કામગીરીનો સમય નક્કી કરવા અને કોરોના કાળ માં કરાયેલ કામગીરીનું યોગ્ય વળતર આપવા વ્યાજબી માંગણીઓ કરી હતી. ત્યારે સવાલ એ થાય છે કે રાજ્ય ની નવનિર્મિત ભાજપ સરકાર આ બહેનો નો અવાજ સાંભળશે કે કેમ ? તે તો સમય જ બતાવશે.