સુરત : આઝાદી અમૃત દાંડી યાત્રામાં ગોવાના મુખ્યમંત્રી જોડાયા

આઝાદીના 75 વર્ષની ઉજવણીને લઈ અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત શરૂ કરાયેલી દાંડી યાત્રા સુરત આવતા જ ભવ્ય સ્વાગત સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. તો ગુરૂવારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી દાંડી યાત્રામાં જોડાયા હતા જ્યારે શુક્રવારે ગોવાના મુખ્યમંત્રી દાંડી યાત્રામાં જોડાયા હતાં. અને દાંડી યાત્રીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણીને અવસરે આજની યુવા પેઢીમાં સ્વાતંત્ર્ય સંગ્રામની ભાવના કેળવાય, વીર શહીદોના સપનાના ભારતના નિર્માણના સંકલ્પ સાથે યોજાયેલા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત તા.12મી માર્ચના રોજ અમદાવાદ ખાતેથી પ્રારંભ થયેલી દાંડીયાત્રા ગુરૂવારે સવારે સાયણથી નીકળ્યા બાદ બપોરે સુરત શહેરમાં વરીયાવ ટી-પોઈન્ટ ખાતેથી આવી પહોચી હતી. જયાં સુરત પોલીસ કમિશનર સહિત શહેરના પદાધિકારીઓ દ્વારા સુતરની આટી પહેરાવી દાંડીયાત્રીઓનું ભવ્ય સ્વાગત કરીને દાંડીયાત્રામાં જોડાયા હતાં. અને સાંજે છાપરાભાઠા ખાતે દાંડી યાત્રાઓના માનમાં યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પણ જોડાયા હતાં. તો શુક્રવારે દાંડી યાત્રીઓનો ઉત્સાહ વધારવા માટે ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત પણ જોડાયા હતાં. કતારગામથી ડિંડોલી 7 કિલો મીટરની સુરતમાં શુક્રવારે પદયાત્રા થશે જેમાં વિવિધ વિસ્તારોમાં પદયાત્રીઓ ફરશે. કતારગામ ખાતે આવેલ માનવ ધર્મ આશ્રમથી ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત દાંડી યાત્રામાં જોડાયા હતાં અને આ દાંડી યાત્રીનું ઉધના દરવાજા ખાતે દાંડી યાત્રીઓનુ સ્વાગત કરાયુ હતું.
ઉધના દરવાજાથી ખરવર નગર ફ્લાય ઓવરથી ડિંડોલી તરફથી દાંડી યાત્રા આગળ વધશે. હાલ તો આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાયેલ દાંડી યાત્રાને લઈ લોકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો.