સુરત : ડુમસ દરિયાએ ફરવા જતા લોકોને પોલીસે પરત મોકલ્યા

સુરત સહિત રાજ્યમાં હાલ કોરોના સંક્રમણમાં ઘટાડો થયો છે અને તેને લઈ રાજ્ય સરકાર દ્વારા વિવિધ છુટો આપવામાં આવી છે. પરંતુ સુરતીઓ માટે એક જ પર્યટન સ્થળ એવા ડુમસને હજુ પણ તંત્ર દ્વારા બંધ રખાયુ છે. ત્યારે રવિવારે ડુમસ દરિયાએ ફરવા જતા લોકોને પોલીસે રસ્તો બંધ કરી પરત મોકલ્યા હતાં.
સુરત કોર્પોરેશન દ્વારા હજી પણ કોરોના સંક્રમણ શહેરમાં ન વધે તેના માટે તકેદારી રાખી રહી છે. સુરતીઓ હરવા-ફરવાના શોખીન સ્વભાવના છે તેથી શનિવાર અને રવિવારે ડુમસ બીચ અને સુવાલી બીચ ઉપર મોટી સંખ્યામાં સહેલાણીઓ પહોંચી જાય છે. કોર્પોરેશન દ્વારા હજી પણ દરિયાઈ બીચો પર જવા પ્રતિબંધ લગાવ્યા છે. કારણકે ખૂબ મોટી સંખ્યામાં સુરતીઓ તેમજ અન્ય શહેરના લોકો બીચ ઉપર આવતા હોય છે. તેવા સમયે ફરી વખત કોરોના માથું ઊંચકે તેને ધ્યાનમાં રાખીને કોર્પોરેશન અને પોલીસ કમિશનર દ્વારા નિર્ણય લેવાયો છે. જેમાં ડુમસ બીચ પણ હજુ બંધ રાખવામાં આવ્યો છે. આજે રવિવારની રજા હોવાથી સુરતીઓ મોટી સંખ્યામાં ડુમસ જવા નીકળ્યા હતા. જોકે, પોલીસે તમામ સહેલાણીઓને પરત મોકલ્યા હતા. જેથી નિરાશ થઈને મોજ-મસ્તી કર્યા વગર પરત ફરવું પડ્યું હતું. આજે રવિવાર હોવાથી સવારથી જ સહેલાણીઓ શહેરથી ડુમસ બીચ તરફ દોટ મૂકી હતી. પોતાના પરિવાર સાથે તેમજ મિત્રો સાથે ગયેલા લોકોને પોલીસે પરત વાળ્યા હતા, તો કેટલાકને દંડ પણ ફટકાર્યા હતા. ગઈકાલે શનિવારે પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી હતી. પરંતુ રવિવાર હોવાથી આજે વધુ સંખ્યામાં લોકો લટાર મારવા નીકળ્યા હતા. જોકે, નિરાશ થઈને મોજ-મસ્તી કર્યા વગર પરત ફરવું પડ્યું હતું.
કોરોનામાં ઘટાડો થયો હોવા છતા પણ તંત્ર દ્વારા શહેરીજનો માટે એક માત્ર પર્યટન સ્થળ રવિવારની રજાના દિવસે બંધ રખાતા સુરતીઓમાં તંત્ર સામે રોષ જોવા ણળ્યો હતો.