સુરત : ફાયર વિભાગ દ્વારા 300 કરતાં વધારે દુકાનોને સીલ કરાઈ

ફાયર વિભાગ દ્વારા મોડી રાતથી સુરતના વિવિધ ટ્રેડ હાઉસ, ટેક્સટાઇલ માર્કેટ, શોપિંગ કોમ્પલેક્સમાં ફાયર સેફ્ટીની સુવિધા ન હોય તેવી દુકાનો સીલ મારવાની કામગીરી શરૂ કરી દેવાઈ હતી. અંદાજે 300 કરતાં વધારે દુકાનોને સીલ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, ગત રોજ માર્કેટ, કોમ્પલેક્સ સહિતમાં 500થી વધુ દુકાનો-આફિસો સીલ કરાઈ હતી.
ફાયર વિભાગ દ્વારા છેલ્લા ઘણા સમયથી ફાયર સેફ્ટી ને લઈને ગંભીરતા દાખવવામાં આવી રહી છે. સુરત શહેરમાં સમયાંતરે આગના બનાવો બનતા હોય છે. સ્થળ તપાસ કરતા ફાયર સેફ્ટીનો અભાવ ટેક્સટાઇલ માર્કેટમાં તથા શોપિંગ મોલ માં જોવા મળતો હોય છે. આગની ઘટના બને તે પહેલા જ ફાયર વિભાગ દ્વારા શહેરની વિવિધ શોપિંગ કોમ્પલેક્સ અને ટેક્સટાઇલ માર્કેટમાં જઈને ફાયર સેફટી ના અભાવ હોય તેવી દુકાનોના માલિકોને નોટિસ પાઠવવામાં આવી હતી. નોટિસ મળવા છતાં પણ ફાયર સેફ્ટીની સુવિધા ન કરવામાં આવી હોય તેવી દુકાનોને સીલ કરવાનું શરૂ કરી દેવાયું હતું. ફાયર વિભાગ દ્વારા સલાબતપુરા વિસ્તારમાં આવેલી ન્યુ આદર્શ માર્કેટ, વેસુ ખાતે ફોનિક્ષ ટાવર અને રિંગરોડ ખાતે ટ્રેડ હાઉસમાં સીલની કામગીરી કરાઈ હતી. ફાયર વિભાગ દ્વારા નોટિસ આપવા છતાં પણ દુકાનના સંચાલકો દ્વારા ફાયર સુવિધા ઉભી કરાઈ ન હતી. આખરે ફાયર વિભાગની અલગ અલગ ટીમ દ્વારા જેમણે ફાયર સેફ્ટીની સુવિધા મૂકાવી ન હતી તેવી દુકાનો સીલ કરી દેવાઈ હતી.
સુરત શહેરમાં ટેક્સટાઇલ માર્કેટ અને શોપિંગ કોમ્પ્લેકસમાં વારંવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. તેને રોકવા માટે ફાયર વિભાગ દ્વારા છેલ્લા ઘણા સમયથી પ્રયાસો હાથ ધરાયાં છે. જે અંતર્ગત ફાયર સેફ્ટીની સુવિધા વિનાના શોપિંગ કોમ્પલેક્સ વારંવાર નોટિસ પાઠવામાં આવે છે. છતાં પણ વેપારીઓના ઉદાસીન વલણને કારણે આખરે ફાયર વિભાગની ટીમ દ્વારા સીલ મારવાની કાર્યવાહી કરાઈ રહી છે. બીજા દિવસે પણ આ કામગીરી યથાવત રહી છે. ગત રોજ 500થી વધુ દુકાનો સીલ કરાઈ હતી.