સુરત : ફોસ્ટા દ્વારા આગામી 5મી મે સુધી માર્કેટો બંધ રાખવાનો પરિપત્ર જાહેર

કોરોનાના વકરી રહેલા કોરોનાના સંક્રમણ વચ્ચે રાજ્ય સરકારની ગાઈડ લાઈન વચ્ચે ફોસ્ટા દ્વારા આગામી 5મી મે સુધી તમામ માર્કેટો બંધ રાખવાનો પરિપત્ર જાહેર કરાયો હતો જો કે કેટલાક વેપારીઓમાં ફોસ્ટાના નિર્ણય સામે રોષ જોવા મળ્યો હતો.
રાજ્ય સરકાર દ્વારા 29 શહેરમાં રાત્રિ કરફ્યૂ સહિત કમર્શિયલ પ્રવૃત્તિ બંધ રાખવા સંબંધિત પ્રતિબંધો જાહેર કર્યા બાદ આજે સાંજે રીંગરોડની કાપડ માર્કેટમાં પોલીસ દ્વારા 5 મે સુધી દુકાનો બંધ રાખવાનું એનાઉસમેન્ટ કરાયું હતું. સુરત પાલિકા કમિશનર દ્વારા શહેરમાં ઉત્પાદન સિવાય લે-વેચની પ્રવૃત્તિ કરતા કાપડ, હીરા સહિત તમામ ક્ષેત્રની દુકાન અને ઓફિસો બંધ કરવાનો આદેશ કરાયો હતો. સુરત શહેરમાં આવેલી 165 કાપડ માર્કેટની 75 હજાર દુકાનને 28 એપ્રિલથી 5 મે સુધી બંધ રાખવાની સૂચના ફોસ્ટા દ્વારા અપાઈ છે. જ્યારે બીજી તરફ હીરાઉદ્યોગના આગેવાનો આ બાબતે સાવ અજાણ છે. કાપડ માર્કેટ એકાએક બંધ કરવાની જાહેરાતથી વેપારીઓ નારાજ થયા હતા. શહેરમાં અન્ય તમામ પ્રવૃત્તિઓ ચાલુ રહે અને માત્ર કાપડ માર્કેટ જ બંધ કરાવવામાં આવી હોવાનો રોષ સોશિયલ મીડિયામાં વેપારીઓએ વ્યક્ત કર્યો હતો. ફોસ્ટા પ્રમુખ મનોજ અગ્રવાલે કહ્યું કે, પોલીસ કમિશનરનો આદેશ હોય તેનું પાલન કરવું જ રહ્યું. 5 મે સુધી કાપડ માર્કેટની તમામ દુકાનો બંધ રહેશે.