સુરત બ્રેકીંગ : ફાયર સેફટીના અભાવે જાપાન માર્કેટની બધી દુકાનો કરાઈ સીલ

સુરતની સૌથી ભયાનક દુર્ઘટના તક્ષશિલા અગ્નિકાંડ બાદ રાતો રાત જાગેલી પાલિકાએ ફાયર સેફ્ટી ન ધરાવતી સંસ્થાઓને નોટિસો પાઠવી ફાયર સેફ્ટી ઉભી કરવા તાકિદ કરી હોવા છતાં પાલિકા દ્રારા ઈશ્યુ કરાયેલ નોટિસ બાદ પણ આદેશની અવગણના કરનાર સંસ્થાઓ સામે ફરી પાલિકાએ સખ્ત કાર્યવાહી હાથધરી સીલીંગની કામગીરી શરુ કરી છે જે અંતર્ગત ગત રાત્રે રાંદેર, સેન્ટ્રલ , વરાછ એ અને બી, કતારગામ અને અઠવા ઝોનમાં કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં સુરતના રિંગરોડ ખાતે આવેલ બેલ્ઝિયમ ટાવરની બાજુમાં આવેલી જાપાન માર્કેટની 549 દુકાનો સાથે માર્કેટ સીલ કરી દેવાયું છે.
તક્ષશીલા આર્કેડમાં આવેલ ટ્યુશન ક્લાસમાં લાગેલી આગની ઘટના બાદ રાજ્ય સરકાર એકા એક એકશન મોડમાં આવી હતી અને હોસ્પિટલ, શાળાઓ, રેસ્ટોરન્ટ સહિતના સ્થળોએ તપાસ હાથ ધરી ફાયર સેફટીના સાધનોને લઇ સુવિધા ઉભી કરવાના આદેશ કરાયા હતા તેમજ રાજ્યકક્ષાએથી પણ જાહેર કરાયેલા આદેશો બાદ સુરતમાં ફાયરની ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. ફાયરના સાધનો ન ધરાવતી તેમજ ફાયર એનઓસી વિનાની સંસ્થાઓને નોટિસો પાઠવવા છતાં તંત્રને ન ગણકારતા સંસ્થાના સંચાલકોની સાન ઠેકાણે લાવવા તંત્ર દ્વારા સિલિંગની કામગીરી હાથ ધરાઈ છે. જેને લઇ ગત રાત્રે 3.00 વાગ્યા સુધી ફાયર વિભાગના 50 જેટલા કર્મીઓના સ્ટાફ સાથે ફાયર ઓફિસર હિતેશ ઠાકોર સહિતનાએ રાંદેરની હોટલ એકસીડન્સી, સેન્ટ્રલ ઝૉનની જાપાન માર્કેટમાં આવેલ 549 દુકાનો, હોટલ ક્રિસ્ટલ, વરાછા બી ઝોનમાં લસકાણા ખાતે આવેલ ખોડીયાર પ્લાસ્ટીકનું ગોડાઉન, કતારગામ ઝોનમાં આવેલ ગીરીરાજ અને ખોડીયાર ફર્નિચરના શો રૂમ તેમજ અઠવા ઝૉનમાં આવેલ વર્મા પેલેસને સીલ કર્યા છે.