સુરત બ્રેકીંગ : સુરત આમઆદમીના કોર્પોરેટરનો મેયર અને કમિશનરને લેખિત પત્ર - મીટીંગોમાં નાસ્તા પાણી બંધ કરો

સુરત કોર્પોરેશનમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો દ્વારા રોજ અલગ અલગ મુદ્દાઓને લઈને રજૂઆત કરવામાં આવી રહી છે. આજે વોર્ડ નંબર 4 ના કોર્પોરેટર ધર્મેન્દ્ર વાવલીયાએ કમિશનર અને મેયરને પત્ર લખી રજૂઆત કરી હતી કે કોર્પોરેટરો માટે નાસ્તા પાણીની વ્યવસ્થા પાછળ ખોટો ખર્ચ થાય છે જે બંધ કરવામાં આવે તેમજ આધાર કાર્ડ માટે સેન્ટરો વધારવા આવે તેવી માગણી કરી હતી.
આમ આદમી પાર્ટીના કોર્પોરેટર દ્વારા સુરત મહાનગર પાલિકા કચેરીમાં કોર્પોરેટરોની મીટિંગ થતી હોઈ છે જેમાં થતા નાસ્તા પાણીને લઈને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. કોર્પોરેટરો માટે નાસ્તા પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે. માત્ર 15 મિનિટ કે અડધો કલાક માટે કોર્પોરેટરોની બેઠકનું આયોજન થાય તો તેના માટે પણ નાસ્તો મંગાવવામાં આવે છે ત્યારે પ્રશ્નએ ઊભો થાય છે કે લોકોના હિતમાં કામ કરવા માટે એકત્રિત થાય છે કે પછી લોકોના પૈસે મિજબાની કરવા માટે ભેગા થાય છે. નજીવી બાબત માટે મળેલી બેઠકમાં પણ પણ દર વખતે અલગ અલગ સ્થળેથી કોર્પોરેટરોનો મનપસંદ નાસ્તો લાવવામાં આવે છે. વર્ષ દરમિયાન 15 મિનિટ અને 30 મિનિટ જેટલા સમય માટે મળેલી બેઠકોનું લિસ્ટ ખૂબ લાંબુ થઈ જતું હોય છે અને દરેક બેઠકોમાં નાસ્તા પાણીનું બિલ વર્ષના અંતે ખૂબ મોટું આવતું હોય છે. આ પ્રકારનો ખોટો ખર્ચ રોકવા માટે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરે મેયર અને કમિશનરને લેખિતમાં રજૂઆત કરી છે કે બજેટ જેવા કાર્યક્રમો કોર્પોરેશનમાં થાય ત્યારે કોર્પોરેટરો 10:00 થી 5:00 વાગ્યા કરતા વધુ સમય માટે ક્યારેક રોકાતા હોય છે તે દરમિયાન જમવાની કે નાસ્તાની વ્યવસ્થા કરવી એ વ્યાજબી છે અને એવી હોવી જોઈએ પરંતુ નજીવી બેઠકો માટે ખોટો ખર્ચ કરવો એ પ્રજાના પૈસાનો દૂરવ્યવહાર છે તેને તાત્કાલિક અસરથી રોકવો જરૂરી છે.
બીજી માંગ એ હતી કે આધાર કાર્ડ માટેના સેન્ટરોની સંખ્યા ઓછી છે જેથી તેને વધારવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે. સુરતની વસ્તીની સામે આધાર કાર્ડ સેન્ટર ખૂબ જ ઓછા છે માટે લોકોને સુવિધા મળી રહે તે માટે આધારકાર્ડ સેન્ટરો વધારવા જરૂરી છે. ઘણી વખત આધાર કાર્ડ માટે નાગરિકો દ્વારા કરાયેલી ઓનલાઈન અરજીમાં નજીવી ખામી રહી ગઈ હોય તો પણ તેમની અરજી રદ કરીને માત્ર આધાર કાર્ડ વિલંબથી કાઢી આપવા માટે આ પ્રકારની માનસિકતા છતી થાય છે.