સુરત : મંજૂરી વિના કુતરા- બિલાડી રાખવા બદલ પાલિકાએે ફટકારી નોટિસ

વેસુમાં રહેતી મહિલાને પોતાના ફલેટમાં માર્કેટ ખાતાની મંજૂરી વિના કુતરા- બિલાડી રાખવા બદલ પાલિકાએે નોટિસ ફટકારી છે. જેને લઈ ફ્લેટ ધારકોમાં કચવાટ ઉભો થયો છે.
વેસુ ખાતે આવેલ મંગલમ હાઇટસમાં રહેતી નંદની ગુલાબ દેસાઇને અઠવા ઝોને નોટિસ ફટકારી કહ્યું કે, ફલેટમાં કુતરા-બિલાડી રાખો છો. જે અવાજનું ન્યુસન્સ તો કરે જ છે પણ શૌચક્રિયાના કારણે રહીશોને ગંધ આવે છે. પશુને રહેણાંક મકાનમાં રાખવા પાલિકાના માર્કેટ ખાતા તથા આરોગ્ય ખાતાનો પરવાનો લેવાનો હોઈ જે ગુના બદલ જાણ કરાઈ છે. પશુઓ રહેણાંક સ્થળેથી નહીં ખસેડાશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે. જો કે પાલિકાએ આપેલી આ નોટિસનો નંદની દેસાઇએ ખુલાસો આપતો જવાબ આપ્યો કે, મળમુત્ર સાફ કરી જતુંનાશક દવા નાંખીએ છે. પ્રાણીઓ પાળવા ક્યાં કાયદા હેઠળ પરવાનો લેવાનો તેનો જવાબ પાલિકા પાસે માંગ્યો છે.
કોઇપણ વ્યકતિ ઘરમાં પ્રાણી પાળે છે તો નિયમ પ્રમાણે માર્કેટ ખાતા અને આરોગ્ય વિભાગમાંથી પરવાનો લેવાનો હોઇ છે. આ કેસમાં સ્થાનિકોની ફરિયાદ આવતા પાલિકાએ કાર્યવાહી કરી છે. પરવાનો લેવા સંદર્ભે માર્કેટ ખાતાને રિપોર્ટ કર્યો છે. > પિયુષ પટેલ, આરોગ્ય નિરીક્ષક