સુરત : વેસુ વિસ્તારની પ્રાથમિક શાળામાં વેક્સિન આપવા બાબતે હોબાળો

વેસુ વિસ્તારની પ્રાથમિક શાળામાં વેક્સિન આપવા બાબતે હોબાળો થયો હતો. સ્થાનિક લોકોને વેક્સિન ન આપતા અન્ય કોર્પોરેશનના કર્મચારીઓ પોતાના મળતિયાઓને ચોરી છૂપીથી વેક્સિન આપતા હોવાની શંકા જતાં ગામલોકોએ હોબાળો મચાવ્યો હતો. જેથી પોલીસે ઘટના સ્થળ પર આવીને હળવો લાઠીચાર્જ કરીને સ્થિતિને કાબૂમાં લીધી હતી. તો આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાવવા પામી છે.
વેસુ વિસ્તારની પ્રાથમિક શાળામાં રસીકરણ માટેની વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા કરાઈ છે. સવારથી લોકો મોટી સંખ્યામાં કતારમાં ઊભેલા જોવા મળ્યા હતાં. પરંતુ માત્ર 80 લોકોને વેક્સિન આપવામાં આવતા અન્ય લોકોએ હોબાળો મચાવ્યો હતો. કોર્પોરેશન દ્વારા જે વ્યવસ્થા કરાઈ હતી તે અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા ન હતાં, માત્ર 80 લોકોને જ વેક્સિન આપવાની વાત કરતાં અન્ય લોકો સવારથી લાઈનમાં ઉભેલા હતા તેમણે રોષ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ કેટલાક અન્ય વિસ્તારના લોકો ચોરીછૂપીથી રસીકરણ સેન્ટરની અંદર જઈને રસી મુકાયા હોવાની શંકા ઊભી થઈ હતી. કોર્પોરેશનના એક એજન્ટ દ્વારા આ લોકોને વેક્સિન મુકવામાં આવી રહી હોય તેવું સ્થાનિક લોકોને જાણ થઈ હતી. જેને લઇને સ્થાનિક લોકોએ રસીકરણ સેન્ટરના સુરત મહાનગર પાલિકાના કર્મચારીઓ સાથે રકઝક કરી હતી. જોતજોતામાં સ્થિતિ વધુ વણસી જતા કર્મચારીઓએ ઉમરા પોલીસને ફોન કરીને સમગ્ર ઘટના વિશે જાણ કરી હતી. સ્થાનિક લોકો અને રસીકરણ સેન્ટરના કર્મચારીઓ સાથે ઘર્ષણ થાય તે પહેલાં જ ઉમરા પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચીને ગામ લોકોને વેરવિખેર કરવાના પ્રયાસ કર્યા હતા લોકોએ પોલીસ સામે પણ પોતાનો રોષ ઠાલવતા પોલીસે સ્થાનિક લોકો પૈકી કેટલાક ઉપર એકાએક હળવો લાઠીચાર્જ શરૂ કરી દીધો હતો. લાઠીચાર્જમાં એક વ્યક્તિને ઈજા પણ થઇ હોવાનું જાણવા મળ્યું છે.સુરત મહાનગર પાલિકાના કર્મચારીઓ ઓછા હોવાથી પોતાના નજીકના લોકોને આપતા હોય તેવી ચર્ચા થઈ રહી છે. વેક્સિન લોકો કોઈ એજન્ટનો સંપર્ક કરીને રૂપિયા આપીને વેકેશન લેતા હોવાની પણ ચર્ચા શરૂ થઈ છે.
બીજી તરફ સુરત મહાનગર પાલિકાના વેક્સિન સેન્ટરના ડેટા ઓપરેટર દ્વારા કેટલાક ગ્રામજનો વિરૂદ્ધ ઉમરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ ઉમરા પોલીસે હાથ ધરી છે.