સુરતના કુંભારીયામાં જમીન મામલે ધીંગાણું - સીસીટીવી વાયરલ

સુરત શહેરમાં કડોદરા તરફથી પ્રવેશ થતા જ આવેલ કુંભારીયા ગામ ખાતે વર્ષો જુના મામલાએ હિંસક રૂપ લેતા યુવાનને ગ્રામજનો દ્વારા ઢોર માર મારતા સીસીટીવીમાં કેદ થયા છે. હાલ યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડ્યા બાદ પણ પોલીસે યુવાનની ફરિયાદ 24 કલાક બાદ નોંધી છે. જોકે પોલીસે ફરિયાદ તો લીધી પણ હજુ સુધી આરોપીની ધરપકડ ન કરતા વિવાદ થયો છે. નવા વર્ષના પ્રથમ દિવસે જ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થતા પોલીસ કાર્યવાહીની પોલ ખુલ્લી પડી છે.
સુરત શહેરના કુંભારીયા ગામ ખાતે રહેતા એક ખેડૂતને ગામના લોકો દ્વારા લાકડાના ફટકા વડે માર માર્યો હતો. જોકે આ મારામારી પાછળ જમીન વિવાદ હોવાનું જણાઈ રહ્યું છે. હિતેશભાઈ વાઘેલાની 8 વિઘા પૂર્વજોની જમીન છે તેના પર તેમના પિતરાઈ ભાઈ દ્વારા કબજો કરવામાં આવ્યો છે. આ મામલે હિતેશ ભાઈએ વર્ષ 2016માં કોર્ટમાં કેસ કર્યો છે. હિતેશભાઈ આ જમીન મૂકીને જતા રહે તે માટે પિતરાઈભાઈ અને ગ્રામજનો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં હિતેશભાઈને ગંભીર ઇજા થવા પામી હતી જેથી હિતેશ ભાઈને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઇ ગઈ હતી છતાં ઇજાગ્રસ્ત હિતેશભાઈની ફરિયાદ લેવામાં આવી નહોતી પરંતુ બાદમાં સીસીટીવી વિડીયો વાયરલ થતાની સાથે જ પોલીસે દાખવેલી નિષ્કાળજી સામે આવી છે. આ મામલે સત્ય શું છે તે તો પોલીસ તપાસના અંતે જાણી શકાશે પરંતુ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા ખૂબ વાયરલ થયા છે. સીસીટીવીમાં ભોગ બનનારને ઢોર માર મારવામાં આવ્યો હોવાનું હાલ જોવા મળી રહ્યું છે.


News Of Gujarat #S9news #GujaratNews #Surat www.s9news.com