Surat : અશરફ નાગોરી અને તેના સાગરિતો સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ

અનેક ગુનાઓમાં સંડોવાયેલો રામપુરાનો કુખ્યાત અશરફ નાગોરી અને તેની ગેંગ વિરૂદ્ધ પોલીસે ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઈમ એટલે કે ગુજસીટોક મુજબ ગુનો દાખલ કર્યો છે. તેના ત્રણ સાગરિતોને ઝડપી પાડ્યા છે. અશરફ નાગોરી ફરાર છે. અશરફ અને તેના સાગરિતો સામે 25થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયા છે. છેલ્લે તેની સામે ફાયરિંગનો ગુનો દાખલ થયો હતો.
ગુજરાત સરકાર દ્વારા ઓર્ગનાઈઝ ક્રાઈમ સિન્ડિકેટ થકી વારંવાર ગુના કરી લોકોમાં ભયનો માહોલ પેદા કરનાર તત્વો વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરીને જેલમાં ધકેલાય રહ્યા છે. ત્યારે અગાઉ આસીફ ટામેટા અને લાલુ જાલીમ ગેંગ બાદ હવે લાલગેટ પોલીસે અશરફ નાગોરી ગેંગના સાગરિતોની અપરાધિક પ્રવૃતિનો રિપોર્ટ પોલીસ કમિશનરને સોંપ્યો હતો. પોલીસ કમિશનરે આરોપી અશરફ નાગોરી, તેના ભાઈ આરીફ નાગોરી, સમદ મલબારી, વસીમ કુરેશી, યુસુફ ફિરોઝ ઉર્ફે ગજની અન્સારી વિરૂદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવા આદેશ આપ્યો હતો. જેથી સોમવારે લાલગેટ પોલીસે અશરફ નાગોરીની ગેંગ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે. હાલ પોલીસે અશરફ નાગોરીના ભાઈ આરીફ નાગોરી, વસીમ કુરેશી અને સમદ મલબારીની ધરપકડ કરી છે. અશરફ નાગોરી ગેંગ લાલગેટ, અઠવા, ચોકબજાર, મહીધરપુરા, સલાબતપુરા,રાંદેર અને સૈયદપુરા વિસ્તારમાં સક્રિય છે. હાલ પોલીસે ગુનો તો દાખલ કર્યો છે પરંતુ અશરફની ધરપકડ કરી શકી નથી. સમદ મલબારીના વિરૂદ્ધ પણ ગેરકાયદેસરના હથિયારનો ગુનો તેમજ અન્ય ગુનાઓ નોંધાયા છે. તેના સાગરિતો વિરૂદ્ધ મારામારી તેમજ ધાક ધમકીના ઘણા ગુના નોંધાયા છે.
વધુમાં અશરફ નાગોરી વિરૂદ્ધ હથિયાર, હત્યાની કોશિશ, ખંડણી, જમીન પચાવી પાડવા સહિતના ઘણા ગુના નોંધાયા છે. 2002માં ભાજપના નેતા અને એડવોકેટ હસમુખ લાલવાળા પર ફાયરિંગ કરીને તેમની હત્યાની કોશિશમાં ઝડપાયો હતો. ભૂતપૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યામાં પણ તેનું નામ હતું. કોર્ટે તેને મુક્ત કર્યો હતો. અશરફ સાગરિતો સાથે 2012માં રાંદેરમાંથી 11 હથિયારો સાથે ઝડપાયો હતો. સલાબતપુરામાં વેપારી સાથે મારામારીના તેમજ હાલમાં જ તેના વિરુદ્ધ લાલગેટ વિસ્તારમાં ફાયરિંગનો ગુનો નોંધાયો છે. અશરફ નાગોરી પહેલા આસીફ ટામેટા ગેંગ અને લાલુ જાલીમ ગેંગ વિરુદ્ધ પોલીસે ગુજસીટોક એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરી હતી. લાલુ જાલીમને હજી સુધી પોલીસ પકડી શકી નથી. હાલમાં પણ અશરફ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે પરંતુ તે પોલીસ પકડથી દૂર છે.