Surat : આરોગ્ય મંત્રી કિશોર કાનાણીએ નવી સિવિલની મુલાકાત લીધી

રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી કિશોર કાનાણીએ નવી સિવિલની મુલાકાત લઈ કોરોના બાબતે અધિકારી-ડોક્ટરો સાથે બેઠક યોજી કોરોનાની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આગામી દિવસોમાં કોરોનાના દર્દીઓમાં વધારો થાય તો તે માટે સિવિલ સંપૂર્ણ સજ્જ હોવાનું મંત્રી કાનાણીએ જણાવ્યું હતું.
દિવાળી બાદ સતત વધી રહેલા કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને રાજ્યનું આરોગ્ય વિભાગ હાલ એલર્ટ થઈ ગયું છે. શહેરમાં રાત્રી દરમિયાન કર્ફ્યૂ પણ લાગુ કરાયું છે. ત્યારે રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી કિશોર કાનાણીએ બુધવારે નવી સિવિલની મુલાકાત લીધી હતી. સિવિલમાં સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફિસ ખાતે અધિકારીઓ અને ડોક્ટરો સાથે કોરોનાની પરિસ્થિતિની ચર્ચા કરી હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન, ઈન્જેક્શનો, વેન્ટિલેટર, ડોક્ટરોની નર્સીંગ સ્ટાફ સહિતની ઉપલબ્ધતા વિશે તેમણે માહિતી મેળવી સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. કિશોર કાનાણીએ જણાવ્યું હતું કે, કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે હોસ્પિટલ તંત્ર સજ્જ હોવાની વિગતો આપતા જણાવ્યું હતું કે, કોરોના દર્દીઓ વધે તો હોસ્પિટલમાં 2225 બેડ ઉપલબ્ધ છે. હાલમાં નવી સિવિલમાં 83 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. કોરોનાના દર્દીઓ હોમ કોરન્ટાઈન થઈને સ્વસ્થ થઈ રહ્યા છે જે સારી બાબત છે. સિવિલમાં હાલ ગંભીર પ્રકારના દર્દીઓ ઓછા પ્રમાણ આવી રહ્યા છે. કોઈએ ગભરાવાની કે ડરવાની જરૂર નથી પણ સાવચેતી સાથે માસ્ક, ડિસ્ટન્સીંગ નિયમોનું પાલન કરવાનો તેમણે અનુરોધ કર્યો હતો. તો બીજા રાજ્યોમાં કે વિદેશ જનારા લોકો પાસેથી આરટીપીસીઆર ટેસ્ટ અંગેનો ચાર્જ સરકારના ધારા ધોરણો મુજબ લેવાશે તેવું પણ તેમણે ઉમેર્યું હતું.
વધુમાં રાજ્યમાંથી બહાર જવા માટે ચાર્જ લીધા વિના જો ટેસ્ટ કરાશે તો ટેસ્ટનું ભારણ વધવાની સાથે દર્દીઓને પણ હાલાકી થવાની શક્યતા તબીબોએ વ્યક્ત કરી છે.