Surat : કોઝવેમાંથી કીચડમાં ફસાયેલા મહાકાય કાચબાને રેસ્ક્યુ કરાયું

કોઝવેમાંથી એક મહાકાય કાચબો મળી આવતા લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી. કોઝવે કિનારે કીચડમાં ફસાયેલો કાચબો દરિયાઈ ભરતીમાં તણાઈ આવ્યો હોવાનું તરવૈયાઓએ અનુમાન કર્યું છે. લગભગ 3 કલાક સુધી કીચડમાં ફસાયેલા કાચબાને બહાર કાઢવા જીવના જોખમે 4-5 તરવૈયાઓ કમર સુધીના કીચડમાં ઉતરી દોરડા વડે કાચબામાં બહાર કાઢ્યો હતો.
કોઝવેમાં કિચડમાં ફસાયેલા કાચબા અંગે તરવૈયા ધર્મેન્દ્ર જવેરીએ જણાવ્યું હતું કે, સવારે 7 વાગ્યે અચાનક કોઝવેના પાણીમાં તરતી વખતે કિનારે કીચડ અને ગંદા પાણીમાં નજર પડતા કોઈ જીવ ફસાયું હોવાનું દેખાયું હતું. નજીક જતા જ મહાકાય કાચબો હોવાનું બહાર આવ્યું હતું. જોકે, કીચડમાં ઉતારવાનો ડર પણ સતાવી રહ્યો હતો. પરંતુ હિંમત કરી 5 મિત્રો પૈકી હાર્દિક, નિલેશ, અખ્તર અને ધર્મેન્દ્ર કીચડમાં ઉતર્યા હતા. ઘણા પ્રયાસ બાદ પણ કાચબાને હલાવી શક્યા ન હતા. ત્યારબાદ આયોજન કરી ખૂબ જ મહેનતથી કાચબાને ઉંધો કરી દોરડા વડે બાંધી દીધો હતો અને કિનારે મિત્રોને સિગ્નલ આપી ખેંચવા કહ્યું હતું. ત્યારે કાચબો કિચડમાંથી ધીરે ધીરે બહાર કાઢવામાં સફળ રહ્યા હતાં. વધુમાં કોઝવેમાંથી બહાર કઢાયેલો કાચબો ઇજાગ્રસ્ત થતા તેને પ્રથમ મિત્રના ઘરે લઈ જઈ પાણીથી સાફ કરી પાંજરાપોર હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તેની સારવાર કરાવી હવે તેને સરથાણા પ્રાણી સંગ્રાહલયમાં આપી દેવાની યોજના બનાવી રહ્યા છે. કાચબો લગભગ 150-200 કિલોનો અને 4 ફૂટ લાંબો અને 2 ફૂટ પહોળો હોય શકે એમ કહી શકાય છે.