Surat : ડોમેસ્ટિક ટુરિઝમ ને પ્રમોટ કરવા ગયેલ ગૃપનું ભવ્ય સ્વાગત

ડોમેસ્ટિક ટુરિઝમ ને પ્રમોટ કરવા માટે સુરતના ચાર સહિત છ સભ્યોના ગૃપ ભારત ભ્રમણ પર નીકળ્યું હતું જે આજે સુરત પરત ફરતા તેમનું ભવ્ય સ્વાગત કરાયુ હતું. ગુજરાત અને ખાસ કરીને સુરતીઓ હરવા ફરવાના ખુબજ શોખીન છે, પરંતુ કોરોનાએ સુરતીઓની ભ્રમણ વૃત્તિ પર બ્રેક લગાવી દીધી છે. સુરત અને ગુજરાતની પ્રજા વિદેશી પ્રવાસન સ્થળોનો પ્રવાસ ખેડવામાં પણ અવ્વલ છે પરંતુ કોરોનાના કારણે હાલ વિદેશ પ્રવાસ ખેડવો શક્ય નથી ત્યારે ડોમેસ્ટિક ટુરિઝમને પ્રમોટ કરવા માટે તેઓ દ્વારા એક અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં સુરત, મુંબઈ અને અમદાવાદના 6 સભ્યોએ 18000 કિમીની રોડ ટ્રીપ 36 દિવસમાં પૂર્ણ કરી છે. સુરતની નેટવર્ક ટુર્સ એન્ડ ટ્રાવેલ એજન્સીના સંચાલક રાજીવ શાહએ જણાવ્યું હતું કે કોરોનાની વિપરીત અસરથી કોઈ પણ ક્ષેત્ર બચી શક્યું નથી, ત્યારે ટ્રાવેલ અને ટુરિઝમ ક્ષેત્ર પણ મોટી અસર થઈ છે. હવે જ્યારે તબક્કા વાર અનલૉક આગળ વધી રહ્યું છે અને બધુજ ધબકતું થયું છે ત્યારે પ્રવાસનને પણ વેગ મળે તે જરૂરી છે. હાલના સંજોગોમાં વિદેશ પ્રવાસ જ્યારે શક્ય નથી, ત્યારે સુરત અને ગુજરાતની લોકોને વોકલ ફોર લોકલના સંદેશ સાથે ડોમેસ્ટિક ટુરિઝમ તરફ આકર્ષિત કરવા માટે તેઓ દ્વારા 36 દિવસની અને 18000 કિમીની રોડ ટ્રીપનું આયોજન કરાયું હતું. આ રોડ ટ્રીપમાં રાજીવ શાહ સાથે સુરતથી રિતેશ પારેખ, સંજય પટેલ અને નીતિન ગુપ્તા તેમજ મુંબઈથી પવન દુબે અને અમદાવાદથી થોમસ કોશી જોડાયા હતાં. વધુમાં 18મી સપ્ટેમ્બરના રોજ થી રોડ ટ્રીપની શરૂઆત થઈ હતી અને 18000 કીમીનું અંતર કાપી 36 દિવસ બાદ સુરત ખાતે પરત ફર્યા હતા. આ દરમિયાન ભારતના ચારેય ખુનાઓની મુલાકાત સાથે 34 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આવેલા પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી હતી.