Surat : પોલીસ કમિશનર અને મનપા કમિશનર દ્વારા મિટિંગ યોજાઈ

હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે સુરતમાં હિરા ઉદ્યોગમાં પણ કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે તો સુરત પોલીસ કમિશનર અને મનપા કમિશનરે હિરા ઉદ્યોગના અગ્રણી ઉદ્યોગકારો સાથે મીટીંગ કરી હતી. અને કોરોનાને અટકાવવા માટે ગાઈડ લાઈનનું પાલન કરવા જણાવ્યુ હતું.
સુરતમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. રોજેરોજ કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. કોરોનાના કુલ કેસ 300 નજીક પહોંચી ગયા છે ત્યારે હવે તંત્ર પણ લોકોની સાથે ઉદ્યોગકારોને પોતાના ઉદ્યોગોમાં કોવિડ ગાઈડ લાઈનનું કઈ રીતે પાલન કરવુ તે અંગે માહિતગાર કરી રહ્યું છે. ત્યારે વેડ રોડ ખાતે ધર્મનંદન ડાયમંડના લાલજીભાઈ પટેલના નિવાસ સ્થાને સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની અને સુરત પોલીસ કમિશનર અજય તોમરની અધ્યક્ષતામાં હીરા ઉદ્યોગના આગેવાનો સાથે મિટીંગ મળી હતી. જેમાં ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડીયા, લાલજીભાઇ પટેલ, રામકૃષ્ણ એક્ષ્પોર્ટના ગોવિંદભાઇ ધોળકીયા, જે.બી. બ્રધર્સના જીતુભાઇ શાહ, નીતિન અદાણી, દિલીપભાઇ, નાગજી સાકરીયા, શિતલ ડાયમંડના વલ્લભભાઇ તથા સુરત ડાયમંડ એસોસીએશનના પ્રમુખ નાનુભાઇ વેકરીયા અને મંત્રી દામજી માવાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહયા હતા. જેમાં હીરાની એક ઘંટી ઉપર બે રત્નકલાકારોએ જ કામ કરવું, કેન્ટીન બંધ રાખવામાં આવે, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગનું ફરજિયાતપણે પાલન કરાવવું, ટિફીન લાવતા રત્નકલાકારોને દિવસમાં ત્રણ સ્લોટમાં ૩૦-૩૦ મિનિટ માટે જમવા માટે છોડવા, એરકન્ડીશન ઓફિસમાં વેન્ટીલેશનની વ્યવસ્થા કરવી તેમજ બારી-બારણાં ખુલ્લા રાખવા, રત્નકલાકારો તેમજ ઓફિસ કર્મચારીઓનું કોવિડ- ૧૯નું ટેસ્ટીંગ કરાવવું, પોલીસ કમિશનર અજય તોમરે નીચે મુજબના સૂચનો રજૂ કર્યા હતા,
રત્નકલાકારો તેમજ કર્મચારીઓ માટે ફેકટરીમાં પીવા માટે ગરમ પાણીની વ્યવસ્થા કરવી, ફેટકરીમાં જુદી-જુદી જગ્યાએ ઇન્હેલરની વ્યવસ્થા કરવી, ટોળું ન થાય તે માટે કર્મચારીઓને એકસાથે રજા આપવી નહીં, કોવિડ ૧૯ ની જનજાગૃતિ માટે ડાયરાના સ્વરૂપે અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવું, સ્થાનિક વિસ્તારમાં કોવિડ-૧૯ ની ગાઇડ લાઇનનું પાલન કરવા તેમજ સાવચેતી રાખવા માટે ઓડીયો સાથેની રીક્ષાઓ ફેરવવી સહિતની માહિતી આપી હતી. કોરોનાની વિકટ પરિસ્થિતિમાં હીરા ઉદ્યોગના હિત માટે સુરત મહાનગરપાલિકા અને પોલીસ વિભાગ તરફથી જે પ્રકારનો સહકાર મળી રહ્યો છે તે માટે ગોવિંદભાઈ ધોળકીયાએ બંને અધિકારીઓનો આભાર વ્યકત કરી તેઓને બિરદાવ્યા હતાં.