Surat : પોલીસ પકડે તો કહી દેજો કે ભાજપનો પેજ પ્રમુખ છુ : ધારાસભ્ય સંગીતા પાટીલ

ગુજરાતમાં ભાજપ જ હવે સર્વોપરી હોય તેમ લાગી રહ્યું છે. કોવિડ ગાઈડ લાઈનના ધજાગરાઓના અનેક વિડીયો સામે આવ્યા ત્યારે હાલમાં એક નવો વિડીયો સામે આવ્યો છે. જેમાં ધારાસભ્ય સંગીતા પાટીલ પેજ પ્રમુખ કાર્યક્રમમમાં કાર્યકરોને કહેતા નજરે પડ્યા હતા કે પોલીસ પકડે તો કહી દેજો કે ભારતીય જનતા પાર્ટીનો પેજ પ્રમુખ છુ અને તો પણ નહી સાંભળે તો મને ફોન કરજો. આ નિવેદનને લઈ હાલ તો સંગીતા પાટીલ સોશિયલ મીડિયામાં છવાઈ ગયા છે.
ભારતીય જનતા પાર્ટી દ્વારા હાલ પેજ પ્રમુખ બનાવવાની કામગીરી વેગવંતી બનાવાઈ છે. જો કે હવે આ કામગીરી સાથે જોડાનારાઓને ધારાસભ્ય દ્વારા જ જાણે વટ મારવાનો પરવાનો અપાઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. પેજ પ્રમુખ માટે યોજાયેલ એક કાર્યક્રમમાં ભાજપના લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલ બફાટ કર્યો હોય તેવો વિડીયો સામે આવ્યો છે. જેમાં સંગીતા પાટીલ કહી રહ્યું છે કે આ કાર્ય શેનો છે ખબર છે તમને. કોઈ પોલીસ તમને પકડે તો કહી દેજો ભારતીય જનતા પાર્ટીનો પેજ પ્રમુખ છુ. અને તો પણ ન માને તો મને ફોન કરજો.
હાલ તો ધારાસભ્ય સંગીતા પાટીલના આ પ્રકારના નિવેદનથી પેજ પ્રમુખ એટલે જાણે સરકારી કર્મચારી હોય તેવો રૂઆબ દેખાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે આ મામલે હજુ સુધી ધારાસભ્ય સંગીતા પાટીલ કે પાર્ટી દ્વારા કોઈ નિવેદન અપાયુ નથી.