Surat : રૂહિક્સ ફેશનના સંચાલકો વિરૂદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ

મેસર્સ મધુનંદન ટેક્સટાઇલ દ્વારા બનાવવામાં આવતી સાડીની ડિઝાઇન પરવાનગી વગર તેવી જ ડિઝાઇન તથા ટ્રેડમાર્ક લગાવી હલકી કક્ષાની સાડી બનાવી વેચતા રિંગરોડ પર સાડીનો વેપાર કરતાં રૂહિક્સ ફેશનના ભાગીદાર પિતા,પુત્ર અને પુત્રવધુ વિરૂદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
સલાબતપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વેસુ વીઆઈપી રોડ પર આવેલા શ્યામવિલા એપાર્ટમેન્ટમાં રહેતા નીતિન ગર્ગ રિંગરોડ સ્થિત સિદ્ધિ વિનાયક ટેક્સટાઇલ હાઉસમાં મે. મધુનંદન ટેક્સટાઇલ પ્રા.લિ.ના નામે સાડી અને ડ્રેસ મટિરિયલનો વેપાર કરે છે. તેઓ કાપડ પર અલગ અલગ ડિઝાઈન બનાવીને સારી કવોલિટીના કાપડનો વેપાર કરે છે. તેમની ડિઝાઈનની કોઈ નકલ ન કરી શકે તે માટે ડિઝાઈન કંટ્રોલ ઓફ ડિઝાઇન કોલકાતા ખાતે રજીસ્ટ્રેશન પણ કરાવ્યું છે. જોકે, રિંગરોડ સ્થિત કોહિનૂર માર્કેટમાં રૂહિક્સ ફેશનના નામે કાપડનો ધંધો કરતા વૈદપ્રકાશ ગીલભાગ્ય જૈન, સુમિત વૈદપ્રકાશ જૈન અને રીતુ સુમિત જૈન દ્વારા મે. મધુનંદન દ્વારા તૈયાર કરવામાં આવેલી ડિઝાઈન તથા ટ્રેડમાર્કને હલકી કક્ષાના કાપડ પર છપાવી સસ્તામાં સાડીઓ વેચતા હતાં. રૂહિક્સ ફેશના સંચાલકો દ્વારા પોતાની ડિઝાઇનની નકલ કરી સાડી વેચવા અંગેની જાણ નીતિન ગર્ગને થતા તેમણે સલાબતપુરા પોલીસ મથકમાં રૂહિક્સ ફેશનના સંચાલકો વિરૂદ્ધ છેતરપિંડી અને કોપી રાઇટ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. હાલ તો સલાબતપુરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.