Surat : લોનની લાલચ આપી રૂા. 2.86 લાખ પડાવ્યા

લોનની લાલચ આપી પ્રોસેસ ફી પેટે 13 જણા પાસેથી રૂા. 2.86 લાખ ઉઘરાવી લઇ રફુચક્કર થઇ જનાર મજુરા ગેટ સ્થિત આઇ.ટી.સી બિલ્ડીંગમાં આવેલી બાલાજી ફાઇના નામની ફાઇનાન્સ કંપનીના સંચાલકની અઠવાલાઇન્સ પોલીસે ધરપકડ કરી પુછપરછ હાથ ધરી છે.
અઠવા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અઠવા ગેટ સ્થિત ટ્રાઇસ્ટાર હોસ્પિટલની બાજુમાં વૈસ્વી સેન્ડવીચ નામે ધંધો કરતા અને ગોપીપુરા ખાતે રેહતા વિપુલ કનુ પંચાલએ લોક્ડાઉનમાં ધંધો બંધ રહેતા અને પાંચ મહિનાનું ઘર ભાડુ ચુકવવા મજુરા ગેટ સ્થિત આઇ.ટી.સી બિલ્ડીંગમાં બી/304માં બાલાજી ફાઇના નામની ફાઇનાન્સ કંપનીનો સંર્પક કર્યો હતો. કંપનીની મહિલા કર્મી યોગીતાએ લોન પ્રોસેસ ફી પેટે રૂા. 10 હજાર અને લોનની રકમના 2 ટકા કમિશનની વાત કરી ઓગસ્ટના પ્રથમ અઠવાડિયામાં લોન અપાવવાની લાલચ આપી હતી. લોનની લાલચમાં વિપુલે જરૂરિયાત મુજબના તમામ ડોક્યુમેન્ટસ સબમીટ કરવા ઉપરાંત પ્રોસેસ ફી પેટે ફાઇનાન્સ કંપનીના નિયમ મુજબ રૂા. 10 હજાર ચુકવ્યા હતા. પરંતુ લોન મંજૂર નહીં થતા વિપુલ કંપનીના ઓફિસે ગયો ત્યારે જાણ થઇ હતી કે બાલાજી ફાઇના કંપનીએ લોનની લાલચ આપી અન્ય 13 જણા પાસેથી પ્રોસેસ ફી પેટે રૂા. 2.86 લાખ ઉઘરાવી ઓફિસને તાળા મારી રફુચક્કર થઇ ગયા છે. આ અંગે ગત ઓગષ્ટ મહિનામાં નોંધાયેલી ફરીયાદ અંતર્ગત અઠવાલાઇન્સ પોલીસે ફાઇનાન્સકંપનીના સંચાલક એવા મુળ બિહારનો અને હાલ નાનપુરા ખાતે રહેતા દુર્ગેશ ગણેશ પાંડેની ધરપકડ કરી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.