Surat : શાકભાજી માર્કેટમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા લોકોની ભીડ

સુરતમાં કોરોનાના વધતા કહેરને લઈ શનિવારે રાત્રીથી નાઈટ કરફ્યુ લાગુ કરાયો છે જો કે રવિવારે સવારે જ નિયમોના જાણે ધજાગરા ઉડતા હોય તેમ નજરે પડ્યુ હતું. શાકભાજી માર્કેટમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા લોકોની ભીડ જોવા મળી હતી.
સુરતમાં શનિવારે રાત્રીના 9 વાગ્યેથી કર્ફ્યૂ જાહેર કરાતાં લોકોએ તંત્રને સાથ આપ્યો હતો. જો કે રવિવારે સવારે લોકોએ શાકભાજી લેવા ઘસારો કર્યો હતો. અમદાવાદ બાદ હવે આજથી વડોદરા, રાજકોટ અને સુરતમાં પણ રાત્રિ કર્ફ્યૂનો અમલ શનિવારની રાત્રે 9 વાગ્યાથી શરૂ થઈ ગયો છે. શનિવારે રાત્રે કરફ્યુ લાગ્યા બાદ રવિવારે વહેલી સવારે શાકભાજી લેવા માટે લોકોએ રીતસર પડાપડી કરી હતી. માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળતા હતાં. સાથે માસ્ક વગર બેફામ બનેલા લોકો જેને કારણે સંક્રમણ વધવાનો પણ ભય સતાવી રહ્યો છે. ત્યારે માર્કેટમાં પણ લોકોની ભારે ભીડ જાણે કોરોનાને ખુલ્લુ આમંત્રણ અપાઈ રહ્યુ હોય તેમ લાગી રહ્યું છે.
રાત્રી કરફ્યુ બાદ લોકોમાં દિવસમાં પણ કરફ્યુ લદાશે તેવો ભય સતાવી રહ્યો છે જેને લઈ કર્ફ્યૂમાં શાકભાજી મળશે કે નહી તે અંગેની શંકાએ લોકોએ કોરોના સંક્રમણ ભૂલી ભીડ કરી હતી.