અમદાવાદ સિવિલ હોસ્પિટલની સ્થિતિ ગંભીર - ડોકટરો થયા સંક્રમિત

અમદાવાદ સિવિલ હોસ્પિટલની સ્થિતિ ગંભીર - ડોકટરો થયા સંક્રમિત

ગુજરાતમાં પ્રથમ વખત કોરોનાના એક દિવસના સૌથી વધુ 1515 કેસ નોંધાયા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના એડિ.સુપ્રિટેન્ડેન્ટ ડો.રજનીશ પટેલે જણાવ્યું હતુ કે સિવિલ હોસ્પિટલમાં કોરોના કેસમાં ધરખમ વધારો થયો છે. સિવિલમાં ગઈકાલે 116 ગંભીર દર્દીઓ આવ્યા હતા જ્યારે સિવિલના સિનિયર ડોકટર પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. કોવિડની મુખ્ય જવાબદારી નિભાવતા ડોકટર સંક્રમિત થયા છે. સિવિલ હોસ્પિટલમાં હાલ દર 2 મિનિટે એક એમ્બ્યુલન્સ આવી રહી છે. અમદાવાદ અને આસપાસના દર્દીઓને સારવાર અપાઇ રહી છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સિનિયર ડોક્ટરો કોરોનાનો શિકાર બન્યા છે જેમાં નર્સિંગ સુપરિન્ટેન્ડેન્ટ બી.કે.પ્રજાપતિનો કોરોના પોઝિટિવ આવ્યો છે તેમજ મેડિસિન વિભાગના વડા ડૉ.કમલેશ ઉપાધ્યાય અને તેમના પત્ની ડૉ.નિલિમા પણ સંક્રમિત થયા હતા. પ્લાસ્ટિક સર્જરી વિભાગના વડા ડૉ.જયેશ સચદેવ પણ પોઝિટિવ આવ્યા છે. એનેસ્થેસિયા વિભાગના વડા ડૉ.શૈલેષ શાહ પણ પોઝિટિવ આવ્યા છે. અન્ય ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફ પણ કોરોના સંક્રમિત થયા છે. લોકોને બચાવતા સિવિલના તબીબો કોરોનાનો શિકાર બનવા લાગ્યા છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગઈકાલે 116 ગંભીર દર્દીઓ આવ્યા હતા. અમદાવાદમા 1200 બેડની હોસ્પિટલ કોરોનાની સારવાર માટે તૈયાર છે. સિવિલ હોસ્પિટલમાં સૌથી વધુ ગંભીર દર્દીઓ દાખલ છે. જેને લઈને સિવિલ હોસ્પિટલના સ્ટાફમાં પણ વધારો કરાયો છે. આજે અમદાવાદ શહેરમાં 354, અમદાવાદ જિલ્લામાં 19, સુરત શહેરમાં 211, સુરત જિલ્લામાં 51, વડોદરા શહેરમાં 125, વડોદરા જિલ્લામાં 39 , રાજકોટ શહેરમાં 89, રાજકોટ જિલ્લામાં 48, મહેસાણામાં 53, પાટણમાં 51, ગાંધીનગર શહેરમાં 53, ગાંધીનગર જિલ્લામાં 36 કોરોનાના કેસ નોંધાયા છે. કોરોના વિસ્ફોટને કારણે શની અને રવિ કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે પણ જો હજુ લોકો ભીડ ભેગી કરશે તો કોરોના હજુ વકરવાની વકી છે ત્યારે અમદાવાદ - સુરત - વડોદરા સહીતના ગુજરાતના તમામ જિલ્લાઓએ ચેતવાની જરૂર છે અને જરૂર સિવાય ભીડન કરી કોરોના ગાડીલાઈનનું પાલન કરી સ્વંભૂ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરશે તો જ કોરોનાને નાથી શકાશે।


રાજ્યમાં હાલમાં 13,285 એક્ટિવ કેસ છે અને રિકવરી રેટ 91.26 ટકા થયો છે. કોરોના ટેસ્ટ વધારવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે રાજ્યમાં આજે કુલ 70,388 નવા ટેસ્ટ કરવામાં આવ્યા છે જેને લઇને કુલ ટેસ્ટનો આંકડો 71,71,445 પર પહોંચ્યો છે. અમદાવાદમાં 108 હેડક્વાર્ટરની રાજીવ ગુપ્તાએ મુલાકાત લીધી સાથે મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર પણ હાજર રહ્યા હતા. રાજીવ ગુપ્તાએ કહ્યું હતું કે આજે રાત્રિથી 104 સેવા માટે 160 એમ્બ્યુલન્સ સેવા શરૂ થશે. 2 દિવસમાં 1300 જેટલી બેડ વધારવામાં આવ્યા છે.