અમદાવાદ : ૧૫ વર્ષની પીડાનો 3 કલાકમાં આવ્યો અંત

અમદાવાદની જગ મશહૂર સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સની ટીમે 32 વર્ષના તન્વીબેનને થયેલી દુર્લભ બિમારીની જટિલ સારવારમાં સફળતા મેળવી વધુ એક વાર ઇતિહાસ રચી દીધો છે. આ યુવતી છેલ્લા 15 વર્ષથી અસહ્ય પીડામાંથી પસાર થઇ રહી હતી. જેને સિવિલ હોસ્પિટલના સ્પાઇન સર્જનોએ પીડામાંથી મુક્ત કરી છે.
અમદાવાદના હાથીજણ વિસ્તારમાં રહેતા તન્વીબેનને લાંબા સમયથી મણકાની તકલીફના કારણે હલન-ચલનમાં અને સૂવામાં તકલીફ પડી રહી હતી. વિધાતાએ તન્વીબેન માટે કોઇ અલગ જ પ્રકારની વેદનાની સ્યાહીથી લેખ લખ્યા હતાં ! જે કારણોસર તેઓને 15 વર્ષ સુધી આ વેદનામાંથી પસાર થવું પડ્યું.
તન્વીબેનના બે મણકા એકબીજા સાથે ચોટી જવાથી તેમનું શરીર આગળના ભાગે વળવા લાગ્યું. ધીરે ધીરે આ સમસ્યા વકરવા લાગી. તેમના પતિએ આ સમસ્યાના નિવારણ માટે ઘણી ખાનગી હોસ્પિટલના સંપર્ક કર્યા પરંતુ ક્યાંય સંતોષકારક જવાબ મળ્યો નહીં. વળી કેટલીક જગ્યાએ સર્જરીની ખાતરી આપવામાં આવી તો પ્રશ્ન ઉભો થયો પૈસાનો... આ પ્રકારની સર્જરી અત્યંત જટીલ અને 3 લાખ જેટલી ખર્ચાળ હોવાથી તન્વીબેનના પરીવાર માટે તે અશક્ય બની રહ્યું હતુ. છેવટે આ તમામ પરિસ્થિતિઓમાંથી બહાર આવવા એક જ રસ્તો હતો અને તે હતો સિવિલ હોસ્પિટલનો..
તન્વીબેન સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા. જ્યાં X-RAY, MRI તથા CT SCAN સહિતના ટેસ્ટ કરતાં જાણવા મળ્યું કે તન્વીબેનને અંકાયલોસિંગ સ્પોન્ડાયલોસીસ નામની ગંભીર અને દુર્લભ બિમારી છે. જેમાં કમરનાં બે મણકા એકબીજા સાથે ચોટી જાય છે અને શરીર આગળની તરફ વળવા લાગે છે જેના લીધે હલનચલન પર અસર થાય છે.તન્વીબેનના કમરનો ભાગ 66 ડિગ્રી જેટલો આગળની તરફ વળી ગયો હતો. સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના એસોસિએટ પ્રોફસર ડૉ. પિયુષ મિત્તલ અને તેમની ટીમે તન્વીબેનના ઓપરેશનનો નિર્ણય કર્યો. સર્જરીમાં તન્વીબેનના બે મણકાને તોડીને તેને સીધા કરવામાં આવ્યા. 3 કલાકની સર્જરી દરમ્યાન જો નસને ઇજા પહોંચે તો દર્દી લકવાગ્રસ્ત બનવાની સંભાવનાઓ પણ પ્રબળ રહેલી હતી. જેથી ટીમ દ્વારા સતત ન્યૂરો મોનિટરિંગની મદદ લઇ પેડીકલ સુબ્સટેરેક્શન ઓસ્ટીઓટોમી કરવામાં આવી અને આ સાથે જટિલ અને જોખમી ઓપરેશન અત્યંત ખંતપૂર્વક પાર પાડ્યું.અંતે 66 ડિગ્રી જેટલો આગળની તરફ વળી ગયેલો કમરનો ભાગ હવે 11 ડિગ્રી સાથે સામાન્ય બન્યો. હાલ તન્વીબેન સરળતાપૂર્વક હલન-ચલન કરી શકે છે.