અમદાવાદમાં કોરોનાંનો કહેર - એક જ સોસાયટીમાં 80 થી વધુ કેસો આવતા ફફડાટ

અમદાવાદમાં કોરોનાંનો કહેર - એક જ સોસાયટીમાં 80 થી વધુ કેસો આવતા ફફડાટ

ગુજરાતમાં વધતા કોરોના કેસોને લઈ અમદાવાદની હાલત ખરાબ થતી જઇ રહી છે. વિકટ પરિસ્થિતિના સરકારને અગાઉથી જ સંકેત મળી ગયા હોય તેમ અમદાવાદમાં શુક્રવાર રાત્રે 9 વાગ્યાથી સોમવાર સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. આવા સમયે મળતી માહિતી મુજબ અમદાવાદની એક જ સોસાયટીના 80 કોરોના સંક્રમિત કેસો આવતા આસપાસના વિસ્તારોના લોકોમાં ફફડાટ ફેલાયો છે. અમદાવાદના બોપલ - ઘૂમા વિસ્તારમાં કોરોના સંક્રમણ વધ્યું છે. બોપલના સફલ પરિસર - 1માં વધુ 42 પોઝિટિવ કેસ નોંધાયા છે. સફલ પરીસર - 2માં હાલ 38 પોઝીટીવ દર્દી છે. હજુ 10 જેટલા RT-PCR ટેસ્ટના પરિણામ આવવાના બાકી છે. સફલ પરીસરમાં અત્યાર સુધી કુલ 80 થી વધારે કેસ નોંધાયા છે ત્યારે હજુ કોરોના દર્દીઓનો કુલ આંકડો 100ને પાર પહોંચે તેવી શક્યતાઓ છે. પરિવારમાંથી એક કેસ નહી પરંતુ આખા પરિવાર પોઝિટિવ આવે છે. કોરોનાનું આ લક્ષણ ખુબ જ ચિંતાજનક છે. આ સેકન્ડ વેવની નિશાની છે. હાલ તંત્ર દ્વારા સફલ 1 અને સફલ 2 એમ બંને બિલ્ડિંગને સીલ કરી દેવામાં આવી છે અને તેને કન્ટેન્મેન્ટ ઝોનમાં મૂકી દેવામાં આવી છે. ઉપરાંત 108 સર્વિસને સૂચના આપવામાં આવી છે કે બને ત્યાં સુધી એક જ પરિવારના સભ્યોને જુદી જુદી હોસ્પિટલોમાં લઈ જવાના બદલે એક જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે.
કોરોના કેસો અમદાવાદમા બેડની અછત સર્જાય તેમ લાગી રહ્યું હતું પરંતુ તંત્રએ બેડની સંખ્યા વધારી દીધી છે. અધીક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી જેમાં કોરોનાની સારવાર માટે શહેરની કોવિડ હોસ્પિટલોમાં બેડ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. બેઠક બાદ તંત્ર દ્વારા જણાવાયું હતું કે અમદાવાદની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કુલ 1500 બેડ કોરોના દર્દીઓ માટે ખાલી છે. આથી શહેરીજનોએ ગભરાવવાની જરૂરત નથી. કેટલીક ખાનગી હોસ્પિટલોમાં બેડની કૃત્રિમ અછત ઉભી કરાતી હોવાનું જાણવા મળતા AMC એ અમદાવાદ મેડિકલ એસોસિએશનના હોદ્દેદારોનું ધ્યાન દોર્યું છે. ઉપરાંત શહેરની વધુ 8 થી 10 ખાનગી હોસ્પિટલોને પણ કોવિડ હોસ્પિટલ તરીકે રીક્વીઝીટ કરવાની કાર્યવાહી ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.