અહેમદ પટેલના અવસાનથી ખાલી પડેલી રાજ્યસભા સીટની ચૂંટણી ડિસેમ્બરમાં યોજાય શકે છે

અહેમદ પટેલના અવસાનથી ખાલી પડેલી રાજ્યસભા સીટની ચૂંટણી ડિસેમ્બરમાં યોજાય શકે છે

ગુજરાતથી કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલના અવસાન બાદ ખાલી પડેલી ગુજરાતની રાજ્યસભાની સીટ ઉપર ડિસેમ્બરમાં ચૂંટણી યોજાઈ શકે છે અને માનવામાં આવી રહ્યું છે કે બિહારમાં કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનના અવસાન બાદ ખાલી પડેલી રાજ્યસભા બેઠક ઉપર પણ ડિસેમ્બરમાં ચૂંટણી યોજાઈ શકે છે આથી એકજ દિવસે ગુજરાતની ખાલી પડેલી રાજ્યસભા બેઠક ઉપર ચૂંટણી યોજવા ભાજપે ચૂંટણી પંચને જણાવ્યું છે,
કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અહેમદ પટેલના અવસાનથી કોંગ્રેસ પાર્ટીને ખૂબ મોટી ખોટ પડી છે. અહેમદ પટેલ ગુજરાતથી રાજ્યસભાના સાંસદ હતા. વર્ષ 2017 માં રાજ્યસભાની ચૂંટણી જીત્યા ત્યારે ભાજપે અહેમદ પટેલને હરાવવા ખુબ જ મહેનત  કરી હતી. ખુદ અમિત શાહે અહેમદ પટેલને હરાવવા એડીચોટીનું જોર લગાવ્યું હતું જેને લઇ કોંગ્રેસના એક બાદ એક ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધા હતા. જોકે અમિત શાહની રણનીતિને નિષ્ફળ બનાવતા અહેમદ પટેલ વિજયી થયા હતા ઉપરાંત ગુજરાતમાં ગત બે ટર્મથી લોકસભામાં કોંગ્રેસને એક પણ સીટ મળી નથી. જ્યારે રાજ્યસભામાં અહેમદ પટેલની સાથે 4 સભ્યો હતા. જે ઘટીને હવે શક્તિસિંહ ગોહિલ, નારણ રાઠવા અને અમી યાજ્ઞિક એમ 3 સાંસદો રહ્યા છે. ગુજરાત રાજ્યસભાની કુલ 11 બેઠકોમાંથી 7 સીટો ભાજપ પાસે છે જેમાં અભય ભારદ્વાજ, રમિલાબેન વારા, નરહરિ અમીન, પુરુષોત્તમ રુપાલા, મનસુખ માંડવિયા, એસ જયશંકર અને જુગલજી ઠાકોર સાંસદ તરીકે ચૂંટાયા છે. જો કે હાથમાંથી ગયેલી રાજ્યસભાની સીટ જીતવા માટે ભાજપે ફરી કવાયત શરૂ કરી છે જેને લઇ અહેમદ પટેલના અવસાન બાદ ખાલી પડેલી સીટને જીતવા ચક્રો ગતિમાન કરી દીધા છે. અહેમદ પટેલના અવસાનથી ખાલી પડેલી સીટ ને લઇ ચૂંટણી આગામી 5 મહિનામાં કરાવવી પડશે. એ માટે ડિસેમ્બરમાં ચૂંટણી યોજાય તેવી શકયતા છે. વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા જોતા ભાજપને ફાયદો થઈ શકે છે. એવું પણ બને કે ભાજપનો જે પણ ઉમેદવાર ઉભો રહે તે બિનહરિફ ચૂંટાઈ જાય.