આકડાં નહિ કોરોના સામે શું પગલાં ભર્યા ? - મોદીની રાજ્યોના મુખ્યમંત્રી સાથે બેઠક

આકડાં નહિ કોરોના સામે શું પગલાં ભર્યા ? - મોદીની રાજ્યોના મુખ્યમંત્રી સાથે બેઠક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ COVID-19 પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક કરી. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર હતા. દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો 91 લાખને પાર થયો છે ત્યારે અમુક રાજ્યોમાં કોરોના વાયરસે ફરીથી ઉથલો માર્યો છે ત્યારે રાજ્યોની પરિસ્થિતિને ધ્યાનમાં લઇ કઈ કઈ રીતના આયોજનો થયા છે જેની માહિતી મેળવવા તેમજ વેક્સિનને લઇ આગામી જરૂરિયાતોને ધ્યાને લઇ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાથી પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી. જેમાં ગુજરાત, દિલ્હી, હરિયાણા, કેરળ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ અને રાજસ્થાનના મુખ્યમંત્રીઓ જોડાયા હતા. બેઠકમાં મોદી ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા. આ બેઠક દરમિયાન મોદીએ મહત્તવનું નિવેદન આપતાં જણાવ્યું હતું કે દેશમાં કોરોનાની વેક્સિન ક્યારે આવશે તે આપણે નક્કી નથી કરવાનું કારણકે આ કામ વૈજ્ઞાનિકોનું છે તેમજ વેક્સીન મુદ્દે રાજકારણ રમી રહેલા પક્ષોને આડેહાથ લેતાં કહ્યું હતું કે આ મુદ્દે રાજનીતિ કરવી વ્યાજબી નથી.
મુખ્યમંત્રી સાથેની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરિયાણાના મુખ્યમંત્રી સાથે વાત કરી ત્યારે તેમણે કોરોનાના આંકડાઓ જણાવવા જેને લઇ પીએમ મોદી કહ્યું કે આંકડા જણાવવા કરતાં કોરોના સામે શું પગલાં ઉઠાવ્યા તેની વિગતો આપો. અમને નંબર નહિ જણાવો તમે કોરાના વિરુદ્ધ પગલાં શું લીધા તે વિશે માહિતી આપો.
બાદમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું કે પીએમ મોદીને કોરોના દર્દીઓની સારવારને લઇ માહિતી આપતા કહ્યું હતું કે અમારે ત્યાં કોરોના કાબૂમાં છે. ત્યારબાદમાં તેમણે વડાપ્રધાન પાસે જીએસટીના બાકી નાણા રાજ્યોને ચૂકવવા માંગણી કરી હતી.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પીએમ મોદીને કોરોના વેક્સિનના વિતરણને લઈને બનાવવામાં આવેલી ટાસ્ક ફોર્સની માહિતી આપતા કહ્યું હતું કે ટાસ્ક ફોર્સ તૈયાર છે જે રાજ્યમાં વેક્સિનના વિતરણ ઉપર કામ કરી રહી છે તદઉપરાંત તેઓ સીરમ ઈન્સ્ટીટયુટના અદાર પૂનાવાલાના સંપર્કમાં છે તેમ જણાવ્યું હતું।
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પીએમ મોદીને કહ્યું કે દિલ્હીમાં કોરોનાની ત્રીજી લહેરનું મુખ્ય કારણ પ્રદૂષણ છે જેને લઇ મુખ્યમંત્રી કેજરીવાલે પીએમ મોદીને પરાળ સળગાવવાના મામલે દખલ આપવા માંગણી કરી હતી સાથે જ કહ્યું કે દિલ્હીમાં નવા આઈસીયુ બેડ માટે તુરંત 1200 બાઈપેપ મશીન ખરીદવા પડશે।
પીએમ મોદીએ કહ્યું હતું કે ભારત હવે કોરોના વેક્સિનની નજીક પહોંચી ગયું છે ત્યારે જ દેશના અનેક રાજ્યોમાં કોરોનાના કેસમાં ઉછાળો આવતાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત સહિત 8 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મેરેથોન બેઠક કરી હતી. આ બેઠક પૂર્ણ થયા બાદ સંબોધન કરતાં વડાપ્રધાને કહ્યું હતું કે કોરોના મામલે આપણે ઉંડા દરિયામાંથી બહાર આવી ગયા છીએ અને કાંઠાની એકદમ નજીક છીએ બરાબર ત્યારે જ ‘મેરી કશ્તી ડૂબી વહાં જહાં પાની કમ થા’ જેવું ન બને તે જોવાની જવાબદારી રાજ્ય સરકાર અને દેશવાસીઓની છે. પીએમ મોદીએ ભારપૂર્વક કહ્યું હતું કે કોરોના વેક્સિનનું ટ્રાયલ પૂરજોશમાં ચાલી રહ્યું છે પરંતુ તે ક્યારે આવશે તે વાત વૈજ્ઞાનિકોના હાથમાં છે અને અત્યારે વેક્સિનના નિર્માણ પાછળ રાત દિવસ મહેનત કરી રહ્યા છે. આપણે કોરોનાના 3 તબક્કા પૂર્ણ કરીને ચોથા તબક્કામાં પહોંચી ગયા છીએ. તાજેતરમાં જ દિવાળી, છઠ્ઠ પૂજા સહિતના તહેવારો સંપન્ન થયા છે. આ વખતે લોકોએ કોરોના સામે ખૂબ જ સાવચેતી રાખી હતી પરંતુ અનેક લોકો એવા પણ છે જેમણે બેદરકારી દાખવી છે જે અત્યારે આપણને ભારે પડી રહી છે. જો કે હવે પહેલાં જેવો હાઉં રહ્યો નથી જે ઠીક નથી. કોરોના સામે આપણી લડાઈને બિલકુલ ઢીલી પડવા દેવાની નથી. વેક્સિનનું કામ વૈજ્ઞાનિકો કરી જ રહ્યા છે ત્યારે આપણી જવાબદારી સોશ્યલ ડિસ્ટન્સ અને ફરજિયાત માસ્કના નિયમનું ચુસ્ત પાલન કરવાની છે.
પીએમ મોદીએ વેક્સિનને લઈને કહ્યું કે વેક્સિનના કેટલા ડોઝ અપાશે ?
તેની કિંમત કેટલી હશે તે અંગે કોઈ જ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો નથી પરંતુ ટૂંક સમયમાં તે પણ નક્કી કરી લેવામાં આવશે. અત્યારે સરકારનો લક્ષ્યાંક દેશમાં કોરોનાથી થતાં મૃત્યુદરને 1 ટકાની અંદર અને પોઝિટીવીટી દરને 5 ટકાની અંદર લાવવાનો છે. દેશના દરેક નાગરિકની સુરક્ષાની જવાબદારી કેન્દ્ર સરકારની છે અને તે આ જવાબદારી નીભાવવામાં બિલકુલ ઉણી ઉતરશે નહીં અત્યારે ભારત અન્ય દેશોની તુલનાએ અત્યંત સારી સ્થિતિમાં છે. દેશની દરેક હોસ્પિટલોમાં પૂરતી માત્રામાં ઑક્સિજન મળી રહે તેના ઉપર પણ સરકાર ઝીણવટભરી નજર રાખી રહી છે.
પીએમ મોદીની રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની આજની બેઠકના બે મુખ્ય એજન્ડા હતા. પહેલો એજન્ડા એ કે કોરોનાના વધતાં કેસને લઈને રાજ્ય સરકારો શું પ્રયત્ન કર્યા છે અને કેસને ઘટાડવા માટે કેવા પ્રકારના પગલાં ઉઠાવયા છે.
જ્યારે બીજો એજન્ડા વેક્સિનેશનને લઈને છે આવતાં વર્ષની શરૂઆતમાં વેક્સિન આવી જવાની સંભાવના છે આવામાં વેક્સિનને લોકો સુધી કેવી રીતે પહોંચાડવામાં આવે તેમજ તેનો સંગ્રહ કરવા માટે રાજ્યો પાસે શું વ્યવસ્થા છે અને કેવી રીતે રસીકરણ કરવામાં આવશે તે મુદ્દે ચર્ચા થઇ હતી.