ઉકાઇની સપાટીમાં 3 દિવસમાં 7 ફૂટનો વધારો - ઉપરવાસમાં ભારે વરસાદ

ઉકાઇની સપાટીમાં 3 દિવસમાં 7 ફૂટનો વધારો - ઉપરવાસમાં ભારે વરસાદ

સુરત જિલ્લા સહીત દક્ષિણ ગુજરાતમાં અને ઉકાઈ ડેમના ઉપરવાસમાં 4 દિવસથી શરૂ થયેલા ધોધમાર વરસાદને કારણે ડેમની સપાટી પણ સડસડાટ વધતી જોવા મળી રહી છે. આજે પણ ઉકાઈ ડેમમાં ઈનફ્લો 1.07 લાખ ક્યુસેકથી વધારે નોંધાયો છે. હાલ ઉકાઈ ડેમની સપાટી 322.01 ફૂટ પર પહોંચી છે જેને લઇ હાલ ઉકાઈ ડેમમાંથી માત્ર 600 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમની રૂલ લેવલ સપાટી 333 ફૂટ હોઈ હાલ હજુ ઉકાઈ ડેમ રુલ લેવલ સપાટીથી 10 ફૂટ દૂર છે. ઉકાઈ ડેમના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા 4 દિવસથી ઉકાઈ ડેમના કેચમેન્ટ એરિયા અને હથનુર ડેમમાંથી છોડવામાં આવતાં પાણીને કારણે ડેમની સપાટીમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે જેને લઇ હાલ ઉકાઈ ડેમમાં ઈનફ્લો 1.07 લાખ ક્યુસેક છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલા ટેસ્લામાં 46 મીમી, ચીખલધારામાં 77 મીમી, લખપુરીમાં 25 મીમી, સારનખેડામાં 37 મીમી, બુરહાનપુરમાં 12 મીમી વરસાદ નોંધાયો છે જેને લઇ હથનુર ડેમની સપાટી હાલ 209 ફુટે પહોંચી ચુકી છે. હથનુર ડેમમાં પણ પાણીની આવક વધુ હોઈ આજે સવારે 8 કલાકે હથનુર ડેમમાંથી 2500 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
હવામાન વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. જેને પગલે ઉકાઈ ડેમની સપાટી પણ આગામી દિવસોમાં રૂલ લેવલ 333 ફુટે પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.