એઇમ્સ ડાયરેક્ટર ડો.ગુલેરિયાની ચેતવણી - કોરોના શિયાળામાં સ્વાઈન ફ્લૂની જેમ ફેલાઈ શકે છે

એઇમ્સ ડાયરેક્ટર ડો.ગુલેરિયાની ચેતવણી - કોરોના શિયાળામાં સ્વાઈન ફ્લૂની જેમ ફેલાઈ શકે છે

હાલ છેલ્લા કેટલાક દિવસથી દેશના મુખ્ય રાજ્યો મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ સહિત દેશભરમાં કોરોના વાઈરસના કેસમાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં એક્ટિવ કેસમાં ઘટાડો થતા જનજીવન સામાન્ય થતું જોવા મળી રહ્યું છે પરંતુ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધન કરી લોકોને સાવધાન કર્યા છે અને માસ્ક તથા બે - ગજની દૂરી જેવા સાવચેતીના પગલાં હજુ પણ યથાવત રાખવાનું કહ્યું છે તો એઇમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાના જણાવ્યા પ્રમાણે આ રાહત વધુ દિવસ સુધી ટકશે નહીં. ડો. ગુલેરિયાએ ગંભીર ચેતવણી આપતાં કહ્યું હતું કે સ્વાઇન ફ્લૂ શિયાળામાં ઝડપથી ફેલાય છે. આ રીતે કોવિડ પણ ફેલાશે. આ વાતના પણ પુરાવા છે કે વાયુ પ્રદૂષણ પણ કોવિડ - 19 ના પ્રસારમાં ઘણી હદ સુધી મદદ કરશે. તેના પર ઇટાલી અને ચીનમાં થોડા મહિના પહેલાં અભ્યાસ કરવામાં આવ્યો છે.
એઇમ્સ ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ આઈસીએમઆરના દાવા ઉપર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે પ્લાઝમા થેરપીથી કોરોનાથી થતાં મોતમાં ઘટાડો થયો નથી. વધુમાં કહ્યું કે આ ઉતાવળ હશે. હજુ અમારે વધુ ડેટાની રાહ જોવી જોઈએ. આઈસીએમઆરના અભ્યાસમાં જે દર્દીઓ પર અભ્યાસ કરવામાં આવ્યો તેમાંથી વધુ લોકોમાં પહેલાંથી એન્ટિબોડી હતા. જો તમારામાં પહેલાંથી એન્ટિબોડી છે તો બહારથી તેને આપવાથી કોઈ ખાસ લાભ થતો નથી. તેમણે કહ્યું પ્લાઝમા કોઈ મેજિક બુલેટ નથી. અમારે તેનો ત્યાં ઉપયોગ કરવાનો છે જ્યાં તેની ખૂબ જરૂર છે. તે દાવો કરવો ખોટો છે કે તે બધાં માટે લાભકારી છે. કોરોનાથી આપણે શીખ્યાં છીએ કે સારવારમાં યોગ્ય સમયનું ખાસ મહત્ત્વ છે.